‘સ્ટારલિંકનું ભારતમાં સ્વાગત છે, અમે સ્પર્ધાથી ડરતા નથી’ : રિલાયન્સનો સ્પષ્ટ સંદેશ
ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર લગાવવામાં આવતા આરોપોનો આખરે કંપનીએ જવાબ આપ્યો છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સ્ટારલિંકના ભારતમાં પ્રવેશમાં અવરોધ ઊભા કરી રહ્યા હોવાના અને ટેલિકોમ ક્ષેત્રમાં એકાધિકાર જાળવી રાખવા માગતા હોવાના આરોપો વચ્ચે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે સ્પર્ધાથી ડરતી નથી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટારલિંકનું સ્વાગત છે અને કંપની તમામ સ્પર્ધકોનું સ્વાગત કરે છે. ભારતમાં કાર્યરત તમામ ઓપરેટરોએ દેશના કાયદા અને નિયમોનું સમાન રીતે પાલન કરવાનું રહેશે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, જિયોની સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા નિયમનકારી મંજૂરીની પ્રક્રિયામાં છે.
રિલાયન્સે સ્પષ્ટ કર્યું કે, ભારતીય હોય કે વિદેશી, દરેક ઓપરેટર માટે નિયમો અને પ્રક્રિયા સમાન હોવી જોઈએ. કંપનીએ યાદ અપાવ્યું કે વર્ષ 2016માં જિયોએ ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારથી કંપનીએ ક્યારેય સ્પર્ધાથી પીછેહઠ કરી નથી. રિલાયન્સના મતે, સાચી સ્પર્ધાની કસોટી એ છે કે કઈ કંપની ગ્રાહકોને વધુ સારી સેવા અને સુવિધાઓ પૂરી પાડી શકે છે.









