મુંબઈના વસઈ-વિરાર વિસ્તારમાં આવેલી ઈમ્પિરિયલ ટાવર નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. લિંક રોડ પર આવેલી આ ઈમારતના 8મા માળથી 10મા માળ સુધી આગની જ્વાળાઓ ફેલાઈ હતી. આ દુર્ઘટનામાં બે મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે 15 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગ લાગવાનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.
મળતી માહિતી મુજબ, વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પૃથ્વીરાજ બી.પી.એ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે આશરે 11:30 વાગ્યે આગ લાગવાની જાણકારી મળી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
બિલ્ડિંગમાં આગ ઝડપથી ફેલાતાં રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ અને ધુમાડાથી બચવા માટે કેટલાક લોકો ઈમારતના બહારના ભાગે લટકી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ ટીમોએ ક્રેનની મદદથી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે કેટલાક રહેવાસીઓ પોતાની રીતે જ નીચે ઉતરીને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
આગની ઘટનામાં બે મહિલાનાં મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં સુરક્ષા અને બચાવ ટીમોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, જોકે આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ જરૂરી છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર ઊંચી ઈમારતોમાં આગ સામેની સુરક્ષા વ્યવસ્થા અને કટોકટીના સમયે બચાવ કામગીરીની સજ્જતા અંગે સવાલો ઊભા કર્યા છે.









