રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીક પાર્ક કરાયેલી યુટિલિટી વાનમાંથી 260 કિલો રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરી કરવાના ગુનામાં તાલુકા પોલીસે સગીર સહિત સાત શખસોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કોપર સ્ક્રેપ, એક રિક્ષા અને ત્રણ મોપેડ સહિત કુલ રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ફરિયાદ મુજબ 22 સપ્ટેમ્બરની રાત્રે કોપર સ્ક્રેપ ભરેલી ગાડી ઉમિયા ચોક નજીક પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે ગાડી તપાસતા તેમાં રહેલો 260 કિલો કોપર સ્ક્રેપ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ શખસો ચોરાયેલા કોપર સ્ક્રેપ સાથે કણકોટ રોડ પરની એક હોટલ સામેના મેદાનમાં વાહનો સાથે ઉભા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી અફઝલ નાસીર શેખ, અશરફ ઉર્ફે ભુરો નાસીર શેખ, શકીલ સતાર સપ્પા, હમજા રફીક સૈયદ, અનસ મન્નાખાન શેખ, કરણ અરવિંદ હુંબલ અને એક સગીરને ઝડપી લીધા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ મિત્ર હોવાનું અને સ્ક્રેપ ભરેલી ગાડી રેઢી જોતાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ચોરાયેલો માલ વેચવામાં આવે તે પહેલાં જ પોલીસ ટોળકી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.








