લંડન બિઝનેસ સ્કૂલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો 170 વર્ષના ઇતિહાસ પર આધારિત અભ્યાસ; ઊંચા વેલ્યુએશન અને વધતા ખર્ચથી વૈશ્વિક બજારમાં ચિંતાનો માહોલ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને ભવિષ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ માનવામાં આવી રહી છે. વિશ્વભરની કંપનીઓ અને રોકાણકારો આ ક્ષેત્રમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે. જોકે, હવે AI ક્ષેત્રે જંગી રોકાણને કારણે શેરબજારમાં નાણાકીય પરપોટો સર્જાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે AI આધારિત સંશોધન મોડેલે જ આ સંભવિત પરપોટા અંગે 97 ટકા સુધીની ચેતવણી આપી છે.
લંડન બિઝનેસ સ્કૂલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો માર્કો ગ્રોટેરિયા, અફોન્સો અલ્વેસ મોન્ટેઇરો અને કોન્સ્ટન્ટાઇન યાનેલિસે 170 વર્ષના નાણાકીય ઇતિહાસનું વિશ્લેષણ કરીને આ અભ્યાસ કર્યો છે. તેમના એક મોડેલે સપ્ટેમ્બર 2026માં AI સંબંધિત નાણાકીય પરપોટો ફૂટવાની સંભાવના 97 ટકા દર્શાવી હતી. જ્યારે અન્ય બે મોડેલે આ સંભાવના લગભગ 40 ટકા ગણાવી હતી.
જંગી રોકાણ બાદ AI શેરમાં નબળાઈ
જુલાઈ 2025થી AI ક્ષેત્રમાં રોકાણની દોડ શરૂ થઈ હતી. મોટી ટેકનોલોજી કંપનીઓ, સરકારો અને સામાન્ય રોકાણકારોએ પણ આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં મૂડી રોકી હતી. શરૂઆતમાં AI કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. કેટલીક કંપનીઓના શેરમાં 100 ટકા સુધીનું વળતર પણ નોંધાયું હતું.
પરંતુ જુલાઈ 2026 પછી AI અંગેની અપેક્ષાઓ નબળી પડવા લાગી હતી. ટેકનોલોજી વિકસાવવા, મોંઘા AI મોડેલ ચલાવવા અને ડેટા સેન્ટર ઊભાં કરવા પાછળ વધી રહેલા ખર્ચે કંપનીઓની નફાકારકતા સામે સવાલો ઊભા કર્યા હતા. પરિણામે અનેક શેરમાં ઘટાડો નોંધાયો અને બજારમાંથી લાખો કરોડ રૂપિયાનું મૂલ્ય ઘટ્યું હતું.
કંપનીઓની કમાણી કરતાં શેરના ભાવ વધારે?
સંશોધકોના જણાવ્યા અનુસાર, AI કંપનીઓના શેરના ભાવ અને ડેટા સેન્ટર તથા કમ્પ્યુટિંગ માળખા પાછળનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ આટલા મોટા રોકાણની સામે કંપનીઓ કેટલી વાસ્તવિક કમાણી કરી શકશે તે અંગે અનિશ્ચિતતા છે.
AIનાં મોંઘાં મોડેલ ચલાવવા માટે સતત મોટા ખર્ચની જરૂર પડે છે. કેટલીક કંપનીઓ માટે આ ખર્ચ લાંબા ગાળે ઉઠાવવો મુશ્કેલ બની શકે છે. સામાન્ય રીતે જ્યારે શેરના ભાવ કંપનીની વાસ્તવિક આવક અને નફાની સરખામણીએ ઘણાં ઊંચા થઈ જાય છે, ત્યારે રોકાણકારો નફાવસૂલી શરૂ કરે છે. AI ક્ષેત્રમાં પણ આવી સ્થિતિ ઊભી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
170 વર્ષના ઇતિહાસમાંથી શોધ્યા જોખમના સંકેતો
સંશોધકોએ 1843થી 2013 દરમિયાન ‘ધ ઇકોનોમિસ્ટ’માં પ્રકાશિત થયેલા લગભગ 7,96,000 લેખોનું લાર્જ લેંગ્વેજ મોડેલ દ્વારા વિશ્લેષણ કર્યું હતું. આ ઉપરાંત 10 દેશોમાં સર્જાયેલા 22 ઐતિહાસિક નાણાકીય પરપોટાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક ઘટનાઓમાં 1840ના દાયકાની બ્રિટિશ રેલવે તેજી, 1990ના દાયકાના અંતમાં સર્જાયેલો ડોટ-કોમ પરપોટો અને 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પહેલાં મકાનોના ભાવમાં થયેલો અસાધારણ વધારો સામેલ હતો.
પરપોટો ઓળખવા માટે પાંચ માપદંડ
સંશોધકોએ બજારમાં જોખમ ઓળખવા માટે પાંચ મુખ્ય સંકેતોના આધારે ‘બબલ ઇન્ડેક્સ’ તૈયાર કર્યો છે.
-
નવી ટેકનોલોજી અથવા વિચારધારા માટે અતિશય ઉત્સાહ.
-
નિયમનકારો દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ.
-
શેરબજારમાં સટ્ટાખોરીનું પ્રમાણ વધવું.
-
શેરના ભાવ બમણાથી વધુ વધ્યા હોવાની ચર્ચા.
-
શેરના ભાવ સતત વધતા રહેશે તેવી રોકાણકારોની એકતરફી માન્યતા.
આ પાંચેય પરિબળોના આધારે સમાચારોમાં છુપાયેલા નાણાકીય જોખમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
પરપોટાની ચેતવણી અને બજારના ઘટાડામાં અંતર
અભ્યાસમાં જાણવા મળ્યું કે સમાચારોમાં આગામી છ મહિનામાં મોટા નાણાકીય સંકટની સરેરાશ શક્યતા લગભગ 20 ટકા દર્શાવવામાં આવતી હતી, પરંતુ વાસ્તવમાં મોટો ઘટાડો માત્ર 5.7 ટકા કિસ્સામાં નોંધાયો હતો.
જોકે, પરપોટાવાળા સમયગાળામાં બબલ ઇન્ડેક્સ સામાન્ય મહિનાઓ કરતાં 74 ટકા ઊંચો રહ્યો હતો. ડોટ-કોમ પરપોટા દરમિયાન આ આંકડો 94 ટકા સુધી પહોંચ્યો હતો. સંશોધકોના મતે, ચેતવણીઓની સંખ્યા અને તીવ્રતા ઝડપથી વધે ત્યારે રોકાણકારોએ સાવધ રહેવું જરૂરી છે.
AI ટેકનોલોજી નહીં, શેરનું વેલ્યુએશન ચિંતાનો વિષય
સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે 97 ટકાની આગાહીનો અર્થ બજાર ચોક્કસ તારીખે તૂટી પડશે એવો નથી. પરપોટાની ઓળખ અને તે ક્યારે ફૂટશે તેની આગાહી કરવી અલગ બાબતો છે.
અભ્યાસ મુજબ, બબલ ઇન્ડેક્સ ઊંચો ગયા બાદ આગામી 12થી 24 મહિનામાં નેસ્ડેકનું વળતર ઘણી વખત નબળું રહ્યું છે. જોકે, ઇતિહાસમાં પરપોટાના સંકેતો મળ્યા પછી પણ શેરના ભાવ મહિનાઓ કે વર્ષો સુધી વધતા રહ્યા છે.
રેલવે અને ઇન્ટરનેટ ક્ષેત્રમાં પણ અગાઉ આવી સ્થિતિ જોવા મળી હતી. શેરના ભાવમાં મોટો ઘટાડો થયો હોવા છતાં આ ટેકનોલોજી અને તેનું માળખું ટકી રહ્યાં હતાં. તેથી AI ક્ષેત્રમાં પરપોટાની આશંકાનો અર્થ ટેકનોલોજી નિષ્ફળ જશે એવો નથી. મુખ્ય ચિંતા કંપનીઓના ઊંચા વેલ્યુએશન અને તેમની વાસ્તવિક કમાણી વચ્ચેના અંતરને લઈને છે.
સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત પ્રથમ, મહારાષ્ટ્ર બીજા ક્રમે
NSEના ઓક્ટોબરના રિપોર્ટમાં ગુજરાતના 28.1 લાખ સક્રિય રોકાણકારો નોંધાયા; 45.3 ટકાની વૃદ્ધિ સાથે દેશના કુલ રોકાણકારોમાં 19 ટકા હિસ્સો
મુંબઈ, તા. 28: શેરબજારમાં ગુજરાતીઓની વધતી ભાગીદારીનો નવો આંકડો સામે આવ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના તાજેતરના ‘માર્કેટ પલ્સ’ રિપોર્ટ અનુસાર, સક્રિય વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સક્રિય રોકાણકારોની સંખ્યા વધીને 28.1 લાખ થઈ છે.
દેશના તમામ રાજ્યોના કુલ સક્રિય રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો 19 ટકા નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 19.1 લાખ સક્રિય રોકાણકારો હતા. તેની સરખામણીએ 45.3 ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્રને પાછળ છોડી ગુજરાત આગળ
સક્રિય રોકાણકારોની સંખ્યામાં મહારાષ્ટ્ર હવે બીજા ક્રમે છે. રાજ્યમાં આશરે 23 લાખ સક્રિય રોકાણકારો નોંધાયા છે અને દેશના કુલ રોકાણકારોમાં તેનો હિસ્સો 15.4 ટકા છે. ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રમાં 20.7 લાખ રોકાણકારો હતા, જેમાં 10.4 ટકાનો વધારો થયો છે.
ઉત્તર પ્રદેશ 12.7 લાખ સક્રિય રોકાણકારો અને 10.1 ટકા હિસ્સા સાથે ત્રીજા ક્રમે યથાવત છે. ઓગસ્ટમાં અહીં 11.5 લાખ સક્રિય રોકાણકારો નોંધાયા હતા.
વસ્તી કરતાં રોકાણકારોની સંખ્યામાં ગુજરાત આગળ
ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. મહારાષ્ટ્રની વસ્તી પણ ગુજરાત કરતાં ઘણી વધારે છે. તેમ છતાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાતે બંને રાજ્યોને પાછળ છોડી દીધાં છે.
અન્ય રાજ્યોમાં પણ રોકાણકારોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. રાજસ્થાનમાં 27.9 ટકા અને હરિયાણામાં 20.8 ટકાનો વધારો નોંધાયો છે.
દેશમાં રોકાણકારોની સંખ્યા 1.44 કરોડે પહોંચી
ઓક્ટોબર મહિનામાં સમગ્ર દેશમાં સક્રિય યુનિક રોકાણકારોની સંખ્યા માસિક ધોરણે 16 ટકા વધીને 1.44 કરોડ થઈ છે. છેલ્લા 24 મહિનામાં આ સૌથી ઊંચો આંકડો છે.
જોકે, રોકાણકારોની સંખ્યા વધવા છતાં સરેરાશ ટ્રેડ સાઇઝમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ ટ્રેડ સાઇઝ 8 ટકા ઘટીને રૂ.26,604 થઈ છે, જે છેલ્લા 19 મહિનાનું સૌથી નીચું સ્તર છે.
નાના રોકાણકારોની ભાગીદારી વધી
NSEના રિપોર્ટ મુજબ, ઓક્ટોબરમાં રૂ.1 લાખથી ઓછા મૂલ્યના ટ્રેડ કરનારા સક્રિય રોકાણકારોનો હિસ્સો વધીને આશરે 75.7 ટકા થયો છે. આ આંકડો દર્શાવે છે કે શેરબજારમાં નાના મૂલ્યના વ્યવહારો કરનારા રોકાણકારોની ભાગીદારી વધી રહી છે.
આમ, ગુજરાતે સક્રિય રોકાણકારોની સંખ્યામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવીને શેરબજારમાં પોતાની વધતી હાજરી નોંધાવી છે. બીજી તરફ, દેશમાં રોકાણકારોની કુલ સંખ્યા વધવાની સાથે સરેરાશ ટ્રેડ સાઇઝ ઘટી રહી છે, જે નાના રોકાણકારોની વધતી ભાગીદારી તરફ સંકેત આપે છે.








