કપાસના ખેતરમાં છુપાવીને ઉગાડ્યા હતા ગાંજાના 161 છોડ; ઘોઘારોડમાંથી પણ સૂકો ગાંજો મળ્યો, બે આરોપી ઝડપાયા
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ પોલીસે પોતાની ઝુંબેશ વધુ તેજ બનાવી છે. ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ગુજરાત’ અભિયાન હેઠળ ‘નો ડ્રગ્સ ઇન ભાવનગર, ડ્રગ્સ ફ્રી ભાવનગર’ના સંકલ્પ સાથે પોલીસે અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ રૂ.50 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડ મળ્યા
ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનની ટીમે કળમોદર ગામમાં તપાસ હાથ ધરી હતી. અહીં કપાસના પાકની વચ્ચે ગુપ્ત રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી ગાંજાના 161 છોડ કબજે કર્યા હતા. આ છોડનું કુલ વજન 100.21 કિલો નોંધાયું હતું, જેની અંદાજિત કિંમત રૂ.50 લાખ 10 હજાર થાય છે. આ કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે.
ઘોઘારોડમાંથી 93 ગ્રામ ગાંજો મળ્યો
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસે નાર્કોટિક્સ સંબંધિત કાર્યવાહી કરી હતી. અહીંથી 93 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. તેની કિંમત રૂ.4,650 આંકવામાં આવી છે. પોલીસે આ જથ્થો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી હતી.
આમ, ભાવનગર પોલીસની બંને કાર્યવાહીમાં કુલ રૂ.50,14,650ની કિંમતનો ગાંજો જપ્ત થયો છે અને બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે.
જૂના કેસના આરોપીઓની પણ તપાસ શરૂ
જિલ્લામાં નશીલા પદાર્થોના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા પોલીસે લાંબા ગાળાનું આયોજન કર્યું છે. વર્ષ 2020થી ચાલુ વર્ષ સુધીમાં નોંધાયેલા નાર્કોટિક્સના 130 કેસમાં સંડોવાયેલા કુલ 277 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
પોલીસ દ્વારા જેલમાંથી બહાર આવેલા આરોપીઓની વર્તમાન પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમની સાથે સંપર્કમાં રહેતા અન્ય શખ્સોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગેરકાયદે મિલકતો સામે પણ થશે કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, નાર્કોટિક્સના ગેરકાયદે વ્યવસાયમાંથી મેળવેલી આવક દ્વારા ઊભી કરવામાં આવેલી મિલકતો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા ઉપરાંત આવી મિલકતો ટાંચમાં લઈ જપ્ત કરવાની અને ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી છે.
ભાવનગર પોલીસની આ કાર્યવાહીએ નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર અને જથ્થા સામે ચાલી રહેલી ઝુંબેશને વધુ વેગ આપ્યો છે. પોલીસે નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકો સામે સતત નજર રાખીને કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.









