શિવરાજપુર બીચ બનશે વધુ આકર્ષક, રૂ.102 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ખુલ્લી મૂકી; સ્નોર્કલિંગ પ્લાઝાથી લઈ એમ્ફિથિયેટર અને રેસ્ટોરન્ટ સુધીની સુવિધાઓ વિકસાવાઈ

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વધુ સુવિધાસભર બનાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન વિભાગ દ્વારા રૂ.102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા પ્રવાસન અને યાત્રી સુવિધા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. બ્લૂ ફ્લેગનો દરજ્જો ધરાવતા આ બીચ પર પ્રવાસીઓની સુવિધા, મનોરંજન અને સલામતીને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.

બે તબક્કામાં તૈયાર કરાયો વિકાસ પ્રોજેક્ટ

શિવરાજપુર બીચનો વિકાસ બ્લૂ ફ્લેગના વૈશ્વિક ધોરણો અનુસાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં અંદાજે રૂ.23.43 કરોડના ખર્ચે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જ્યારે બીજા તબક્કામાં રૂ.78.85 કરોડના ખર્ચે વધુ પ્રવાસનલક્ષી માળખું તૈયાર કરાયું છે.

પ્રથમ તબક્કામાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે અને પાર્કિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રવાસીઓ માટે પીવાનું પાણી, ટોઇલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, સાઇનેજ, ઇલેક્ટ્રિક વર્ક, અન્ડરગ્રાઉન્ડ ટેન્ક અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બીજા તબક્કામાં મનોરંજનની વિશેષ વ્યવસ્થા

બીજા તબક્કામાં બીચ પર પ્રવાસીઓના મનોરંજન અને સુવિધા માટે ઇવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફિથિયેટર, ફોર્ટ રિસ્ટોરેશન અને બોર્ડવોક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઇફગાર્ડ ટાવર, વિવિધ ડેક અને બીચ લાઇટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

પ્રવાસીઓ માટે શૌચાલય, ચેન્જિંગ રૂમ, શાવર રૂમ, કિયોસ્ક અને રેસ્ટોરન્ટ પણ વિકસાવવામાં આવ્યા છે. બીચ પર કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ, ઇરિગેશન, હોર્ટિકલ્ચર તથા બાળકો માટે પ્લે એરિયા જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરાયો છે.

પ્રવાસનથી સ્થાનિક અર્થતંત્રને મળશે વેગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસથી સર્વિસ સેક્ટરનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. શિવરાજપુર બીચના વિકાસથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે અને પ્રવાસન સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં સ્થાનિક લોકો માટે કામની સંભાવનાઓ ઊભી થશે.

તેમણે ઉમેર્યું હતું કે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ માત્ર પ્રવાસીઓની સંખ્યા વધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી સમગ્ર અર્થતંત્રને વેગ મળે છે. વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્રને અનુસરીને પ્રવાસન ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

દ્વારકાધીશના દર્શન બાદ કાર્યક્રમમાં હાજરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપુર બીચના લોકાર્પણ પહેલાં દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ બીચ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પ્રવાસન વિભાગના સચિવ અને અધિકારીઓએ વિકસાવવામાં આવેલી સુવિધાઓ અંગે તેમને માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્યો મૂળુભાઈ બેરા અને પબુભા માણેક, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રૂ.102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલી આ સુવિધાઓથી શિવરાજપુર બીચ પર પ્રવાસીઓનો અનુભવ વધુ સુવિધાજનક બનશે. સાથે જ દેવભૂમિ દ્વારકાના પ્રવાસન વિકાસ અને સ્થાનિક રોજગારીને નવી દિશા મળવાની અપેક્ષા છે.

Leave a Comment

और पढ़ें