વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા અને ફ્લાઇટ દરમિયાન સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં તેમણે બતાવેલી હિંમત તથા સૂઝબૂઝની પ્રશંસા કરી. 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કો-પાયલટે કોકપિટમાં કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો હતો અને વિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, ત્યારબાદ મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લીધો. ફ્લાઇટનું બાદમાં સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. તમામ 174 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
વીડિયો કોલ દરમિયાન કેપ્ટન સ્મિતે પીએમ મોદીને ઘટનાની આપવીતી સંભળાવતાં કહ્યું કે સંકટની ઘડીમાં તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા હતા અને તેનાથી તેમને માનસિક શક્તિ મળી. PM મોદીએ તેમની હિંમત, ઝડપી નિર્ણયક્ષમતા અને સંયમની પ્રશંસા કરી હતી.
PM મોદીએ કહ્યું કે દેશભરમાં લોકો તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે સ્મિતના પરિવારની પણ પ્રશંસા કરી અને તેમના માતા-પિતા તથા પત્નીની હિંમતનો ઉલ્લેખ કર્યો હતો. વાતચીત દરમિયાન સ્મિત ભાવુક પણ થયા હતા અને વડાપ્રધાન સાથે વાત કરવી તેમના માટે અત્યંત ખાસ ક્ષણ હોવાનું જણાવ્યું હતું.
પીએમ મોદી અને સ્મિત વચ્ચે ગુજરાતીમાં પણ વાતચીત
વાતચીતના અંતિમ ભાગમાં PM મોદી અને કેપ્ટન સ્મિત વચ્ચે ગુજરાતીમાં સંવાદ થયો હતો. મોદીએ બાળકો અંગે પૂછતાં સ્મિતે જણાવ્યું કે તેમના બે વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રી છે. પીએમ મોદીએ પરિવારની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી. આ વાતચીત દરમિયાન સ્મિતે મુશ્કેલ સમય દરમિયાન પરિવાર અને સંસ્કારોમાંથી મળેલી શક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક નેતાઓએ કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી હતી. તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને હુમલાનો ચોક્કસ હેતુ હજુ તપાસ હેઠળ છે.








