અમેરિકામાં એસ્સાર ગ્રુપનો મેગા સ્ટીલ પ્રોજેક્ટ: ₹1.5 લાખ કરોડના રોકાણથી બનશે સૌથી મોટો પ્લાન્ટ

ભારતીય એસ્સાર ગ્રુપની અમેરિકી કંપની મેસાબી મેટાલિક્સ અમેરિકાના આયોવા રાજ્યમાં અંદાજે 15 અબજ ડોલરના રોકાણથી વિશાળ સ્ટીલ પ્લાન્ટ બનાવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 28 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

આ સમગ્ર એકીકૃત સ્ટીલ પ્રોજેક્ટનું કુલ રોકાણ 18 અબજ ડોલર છે, જેમાં આયોવામાં સ્ટીલ કોમ્પ્લેક્સ માટે 15 અબજ ડોલર અને મિનેસોટામાં આયર્ન ઓર માઇન માટે 3 અબજ ડોલરનો સમાવેશ થાય છે. મિનેસોટાની ખાણમાંથી મળતું આયર્ન ઓર આયોવાના પ્લાન્ટમાં સ્ટીલ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાશે.

પ્લાન્ટમાં 2030થી સ્ટીલ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. શરૂઆતમાં વાર્ષિક 7.5 મિલિયન ટન ઉત્પાદનનું લક્ષ્ય છે અને સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચ્યા બાદ ઉત્પાદન લગભગ 10 મિલિયન ટન પ્રતિ વર્ષ થઈ શકે છે. કંપની અને અમેરિકી સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અમેરિકાના ઇતિહાસમાં સ્ટીલ કોમ્પ્લેક્સમાં સૌથી મોટા એકલ રોકાણોમાંનું એક બનશે.

આ પ્રોજેક્ટથી હજારો રોજગારીની તકો ઊભી થવાની ધારણા છે. વ્હાઇટ હાઉસ મુજબ આયોવામાં આશરે 1,750 કાયમી નોકરીઓ અને 6,000 સુધી બાંધકામ સંબંધિત નોકરીઓનું સર્જન થઈ શકે છે.

આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે માઇનિંગથી લઈને સ્ટીલના ઉત્પાદન સુધીની સપ્લાય ચેઇન અમેરિકાની અંદર જ વિકસાવવામાં આવશે. મેસાબી મેટાલિક્સની મિનેસોટા ખાણમાંથી આયર્ન ઓર મેળવવામાં આવશે અને તેને આયોવાના નવા સ્ટીલ કોમ્પ્લેક્સમાં પ્રોસેસ કરવામાં આવશે.

એસ્સાર ગ્રુપ માટે પણ આ અમેરિકામાં સ્ટીલ ક્ષેત્રે મોટું વિસ્તરણ છે, જ્યારે અમેરિકામાં સ્થાનિક આયર્ન ઓરથી સ્ટીલ ઉત્પાદન માટે આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ઔદ્યોગિક રોકાણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

Leave a Comment