હવે ટોલ પ્લાઝા પર ગાડીઓ રોકવી નહીં પડે! FASTag અને નંબર પ્લેટથી આપોઆપ ટોલ વસૂલાશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાતને વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ લાગુ થયા બાદ વાહનચાલકોએ ટોલ પ્લાઝા પર વાહન રોકવાની કે બેરિયર પાસે સ્પીડ ઘટાડવાની જરૂર નહીં રહે અને વાહનો હાઇવેની સામાન્ય ઝડપે પસાર થઈ શકશે.

નવી વ્યવસ્થામાં FASTag, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા અને AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વાહન પસાર થતાં જ હાઇ-સ્પીડ કેમેરા નંબર પ્લેટ અને FASTagની માહિતી વાંચશે અને લાગુ પડતો ટોલ ટેક્સ FASTag ખાતામાંથી આપોઆપ કપાઈ જશે. ટોલ કપાયા બાદ વાહનચાલકને મોબાઇલ પર મેસેજ પણ મળશે.

ગુજરાતમાં સુરત-ભરૂચ સેક્શનના ચોરાસી ટોલ પ્લાઝા પર આ ટેક્નોલોજીનું ટ્રાયલ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સિસ્ટમ હેઠળ વાહનચાલકોએ FASTagમાં પૂરતું બેલેન્સ રાખવું પડશે.

જો FASTagમાં પૂરતું બેલેન્સ ન હોય અથવા FASTag કામ ન કરતું હોય તો વાહન માલિકને ઇ-નોટિસ મોકલવાની જોગવાઈ રહેશે. નિર્ધારિત સમયગાળામાં ટોલ ચૂકવવામાં નહીં આવે તો દંડ વસૂલવાની જોગવાઈ પણ રહેશે. વારંવાર ટોલની ચુકવણી ન કરનારા વાહનો સામે FASTag બ્લેકલિસ્ટ કરવા સહિતની કાર્યવાહી થઈ શકે છે.

સમય અને ઇંધણની બચત

MLFF સિસ્ટમથી ટોલ પ્લાઝા પર વાહનોની કતારો અને રાહ જોવાનો સમય ઘટાડી શકાય છે. વાહનોને સતત ગતિએ પસાર થવાની સુવિધા મળવાથી સમય અને ઇંધણ બંનેની બચત થવાની અપેક્ષા છે. સાથે જ ટોલ પ્લાઝા પર ટ્રાફિકનું સંચાલન વધુ સરળ બની શકે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર બેરિયર-ફ્રી ટોલિંગ તરફ આગળ વધવાની વાત કરી છે. સિસ્ટમનો વ્યાપ વધતા હાઇવે પર ટોલ વસૂલાતની પ્રક્રિયા વધુ ઝડપી અને ઓટોમેટિક બનવાની અપેક્ષા છે.

Leave a Comment