જામનગરના મેઘપરમાંથી 4 કિલો ગાંજો ઝડપાયોઃ બિહારથી લાવી છૂટક વેચાણ કરતા હોવાનો ખુલાસો

જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. મેઘપર ગામમાં ભાડાની ઓરડીમાં દરોડો પાડીને પોલીસે 4 કિલો ગાંજાના જથ્થા સાથે મૂળ બિહારના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજો, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મેઘપર ગામમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે જામનગર SOG અને મેઘપર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન સુનિલકુમાર રામબાબુ રાય ઝડપાયો હતો. તેની ઓરડીમાંથી રૂ.2 લાખની કિંમતનો 4 કિલો ગાંજો મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલના ભાઈ સુજીતકુમાર રામબાબુ રાયની પણ સંડોવણી સામે આવી છે. જ્યારે ગાંજો સપ્લાય કરનાર તરીકે બિહારના બહુઆરા ગામના મોનુનું નામ ખુલ્યું છે. બંનેને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

બિહારથી 5 કિલો ગાંજો લાવ્યાનો પોલીસનો દાવો

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બંને ભાઈઓ બિહારથી આશરે 15 દિવસ પહેલાં ગાંજો લઈને મેઘપર આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તેમણે મોનુ પાસેથી 5 કિલો ગાંજો રૂ.20 હજારના ભાવે ખરીદ્યો હતો અને 23 સપ્ટેમ્બરે મેઘપર લાવી છૂટક વેચાણ શરૂ કર્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આશરે એક કિલો ગાંજો વેચાઈ ગયા બાદ દરોડો પડ્યો હતો અને બાકીનો 4 કિલો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીથી થોડા દિવસ અગાઉ ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી પણ 2 કિલો ગાંજા સાથે પોરબંદર પંથકના ત્રણ શખ્સો ઝડપાયા હતા. ત્યારબાદ મેઘપરમાંથી ફરી ગાંજો ઝડપાતા પોલીસની કાર્યવાહી વધુ સઘન બની છે.

Leave a Comment

और पढ़ें