દિલ્હી-મુંબઈ સહિત 5 એરપોર્ટ પર ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ટ્રાયલ, ફેસ સ્કેનથી સરળ બનશે પ્રક્રિયા
નવી દિલ્હી: એરપોર્ટ પર લાંબી કતારો અને વારંવાર દસ્તાવેજો બતાવવાની પ્રક્રિયામાંથી મુસાફરોને રાહત આપવા માટે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પણ ડિજી યાત્રાની સુવિધા શરૂ કરવાની તૈયારી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશના પસંદગીના મુખ્ય એરપોર્ટ પર તેનું ટ્રાયલ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોચી અને હૈદરાબાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ડિપાર્ચર માટે આ સુવિધા શરૂ કરવાની યોજના છે. શરૂઆતમાં તેનો ઉપયોગ ટર્મિનલ એન્ટ્રી, સિક્યુરિટી અને બોર્ડિંગ ગેટ જેવી પ્રક્રિયામાં થશે. જોકે, ઈમિગ્રેશન પ્રક્રિયામાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઈ-પાસપોર્ટ ધરાવતા મુસાફરો પાસપોર્ટના પ્રથમ પેજને સ્કેન કરીને ફોનની મદદથી તેમાં રહેલી ચિપ વાંચશે. ત્યારબાદ ચિપમાં રહેલા ફોટોગ્રાફ અને મુસાફરની સેલ્ફીનું મેચિંગ કરીને ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુસાફરને વારંવાર ઓળખપત્ર બતાવવાની જરૂરિયાત ઘટશે.
ડિજી યાત્રાનો ઉપયોગ કરવા માટે મુસાફરે એપ ડાઉનલોડ કરી સરકારી ID અથવા ઈ-પાસપોર્ટની વિગતો અપડેટ કરવાની રહેશે. એરપોર્ટ પર ફેસ સ્કેનિંગ દ્વારા ઓળખની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ મુસાફર સિક્યુરિટીથી બોર્ડિંગ ગેટ સુધી આગળ વધી શકશે. ભવિષ્યમાં સામાનના ડિજિટલ મેનેજમેન્ટમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની શક્યતા છે.








