ઈરાનની ધમકી : શરતો નહીં સ્વીકારાય તો મોટા યુદ્ધ માટે તૈયાર, હોર્મુઝ જળમાર્ગ બંધ રાખવાની ચેતવણી
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી વકર્યો છે. ઈરાને અમેરિકા સમક્ષ અનેક શરતો મૂકી છે અને શરતો સ્વીકારાય ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ બંધ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપતાં કહ્યું કે અમેરિકા ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈરાનના અધિકારીઓએ જણાવ્યું છે કે જો અમેરિકી હુમલા ફરી થશે તો તેઓ મોટા યુદ્ધ માટે તૈયાર છે અને હિન્દ મહાસાગરમાં અમેરિકી જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેરે જણાવ્યું કે તેમની શરતો કતાર મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવી છે અને હવે અમેરિકાના જવાબની રાહ જોવાઈ રહી છે.
દરમિયાન યમનના હુથી જૂથના હુમલાઓને પગલે સાઉદી અરેબિયામાં પણ તણાવ વધ્યો છે. રિયાધ નજીકના ઓઈલ ડેપો પર હુમલા બાદ આગના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ અમેરિકાએ ગલ્ફ ક્ષેત્રમાં પોતાના લડાયક વિમાનોની તૈનાતી વધારી છે.
ટ્રમ્પે પણ ઈરાનને ચેતવણી આપતાં કહ્યું કે જો તે પોતાનું વર્તન નહીં બદલે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે સંકેત આપ્યો છે કે ઈરાન અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.








