નલખેડામાં વરસાદી નાળામાં કાર તણાઈ, 8 શ્રદ્ધાળુનાં મોત; મૃતકો ઓડિશાના

આગર-માલવાઃ મધ્યપ્રદેશના આગર-માલવા જિલ્લાના નલખેડામાં માતા બગલામુખી મંદિરના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર વરસાદી નાળાના ભારે પ્રવાહમાં તણાઈ જતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ 8 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓએ ઉજ્જૈનથી ટેક્સી ભાડે કરી હતી અને નલખેડા ખાતે માતા બગલામુખીના દર્શન કર્યા બાદ પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભારે વરસાદને કારણે મંદિર નજીકનો નાળો બે કાંઠે વહી રહ્યો હતો. કારચાલકે પાણીના પ્રવાહ વચ્ચે નાળો પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાણીનો પ્રવાહ વધુ તેજ હોવાથી કારનો કાબૂ છૂટી ગયો અને તે નાળાના ભારે વહેણમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્રશાસન અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ કારને નાળામાંથી બહાર કાઢી હતી.

જોકે, કારમાંથી તમામ આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કારચાલકે ઉતાવળમાં નાળો પાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી કાર તણાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

Leave a Comment

और पढ़ें