દિવાળી પહેલાં અમેરિકી ટેરિફનો ખતરો: રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% સુધીની ડ્યૂટીનો રસ્તો ખુલ્યો

વોશિંગ્ટનઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર વધારાનો ટેરિફ લાદવા માટેના કાયદાને અમેરિકી સંસદની મંજૂરી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સહી કરી છે. આ સાથે કાયદો અમલ માટેનો માર્ગ ખુલ્યો છે. ભારત અને ચીન સહિત રશિયન તેલ ખરીદતા દેશો પર તેની અસર પડી શકે છે.

કાયદાની કલમ 113 હેઠળ રાષ્ટ્રપતિને સંબંધિત દેશો પર મહત્તમ 100 ટકા સુધીનો ટેરિફ નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. હવે ટ્રમ્પ કયા દેશ પર કેટલો ટેરિફ લાદે છે અને તેનો અમલ ક્યારે શરૂ કરે છે તેના પર નજર રહેશે.

કાયદા મુજબ ટ્રમ્પે 30 દિવસની અંદર ટેરિફની ટકાવારી નક્કી કરવાની રહેશે. આથી ઓક્ટોબરના મધ્ય સુધીમાં, ભારતમાં દિવાળી સહિતના તહેવારો શરૂ થાય તે પહેલાં જ નવા ટેરિફના અમલની શક્યતા અંગે ચર્ચા શરૂ થઈ છે.

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા મોટા દેશોમાં ભારત અને ચીનનો સમાવેશ થાય છે. ખાસ કરીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અમેરિકાની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને આ કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના પર પણ નજર રહેશે.

ભારત અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો માટે ક્રૂડ ઓઇલની ખરીદી અંગેનો નિર્ણય કોઈ બાહ્ય દબાણ કે ટેરિફની ધમકીના આધારે લેવામાં આવશે નહીં. હવે અમેરિકી સરકાર વાસ્તવમાં કેટલો ટેરિફ લાદે છે અને તેની શરતો શું રહે છે તેના આધારે ભારતની આગામી સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે.

Leave a Comment

और पढ़ें