ભાવનગરમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ : રેલકર્મચારી સહિત 3 ઝડપાયા

કોર્ટએ ત્રણેય આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : રૂ.1.01 લાખનો મુદ્દામાલ જપ્ત, મોરબી-રાજસ્થાન સુધીના શખ્સોની સંડોવણી સામે આવી

ભાવનગર શહેરની રેલવે કોલોનીમાં એલસીબીએ દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. લોકોટાંકી નજીક આવેલા ક્વાર્ટર નં.70/એમાંથી નકલી દારૂની બોટલો, બ્રાન્ડના લેબલ, સીલ સ્ટીકરો, મશીનરી અને કેમિકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે રેલવે કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ (ઉ.વ.32), વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા (ઉ.વ.33) અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયા (ઉ.વ.40)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 180 એમએલની નકલી દારૂની 17 સીલબંધ બોટલો, રૂ.2,890ની કિંમતના ફ્રન્ટ-બેક લેબલ, 151 સીલ સ્ટીકરો, લોખંડની મશીન, સ્ટીલ પ્રેશર મશીન, કેમિકલના કન્ટેનર, ખાલી કેન અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,00,940નો મુદ્દામાલ કબજે કર્યો છે.

‘For Sale in Punjab Only’ના લેબલ પણ મળ્યા

ફેક્ટરીમાંથી જાણીતી બ્રાન્ડના નામ ધરાવતા લેબલ અને ‘For Sale in Punjab Only’ લખેલા સ્ટીકરો મળી આવતાં નકલી દારૂનું નેટવર્ક માત્ર સ્થાનિક સ્તર પૂરતું સીમિત છે કે અન્ય રાજ્યો સુધી ફેલાયેલું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે નકલી દારૂ બનાવવા માટે વપરાતા કેમિકલ અને કાચો માલ ક્યાંથી મેળવવામાં આવતો હતો તથા તૈયાર માલ ક્યાં પહોંચાડવામાં આવતો હતો તેની તપાસ હાથ ધરી છે.

મોરબી-રાજસ્થાન સહિતના શખ્સોની ભૂમિકા તપાસ હેઠળ

આ કેસમાં પોલીસે મોરબીના રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપરાંત અર્જુનસિંહ સોઢા, રાજસ્થાનના બિયાવર વિસ્તારના સૂર્યપ્રતાપસિંહ રાઠોડ અને અજીતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ સહિત અન્ય શખ્સોના નામ સામે આવ્યા હોવાનું જણાવ્યું છે. ભાવનગરના ઘોઘા વિસ્તારના શક્તિસિંહ ચકુભા રાયજાદા, ભાવેશ સોલંકી અને ચિત્રાના શરદ લિંબાભાઈ ચાવડાની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અગાઉના નકલી દારૂ કાંડ સાથે પણ કડી તપાસાઈ રહી છે

ભાવનગરમાં અગાઉ બનેલા નકલી દારૂના ગંભીર બનાવમાં અનેક લોકોનાં મોત થયા બાદ આ કેસની ગંભીરતા વધી છે. પોલીસ તપાસમાં નકલી ‘રોયલ સ્ટેગ’ દારૂના કારણે મોત થયાની FSL રિપોર્ટમાં વિગતો સામે આવી હોવાનું જણાવાયું હતું. આ કેસમાં વ્યક્તિગત અદાવત અને નકલી દારૂ પહોંચાડવાના આક્ષેપોને લઈને પણ તપાસ કરવામાં આવી હતી.

હાલ એલસીબી દ્વારા નકલી દારૂની ફેક્ટરી પાછળનું સમગ્ર નેટવર્ક, કેમિકલનો સ્ત્રોત, દારૂના વેચાણનું નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Comment