લાદેન ભારતને પણ નિશાન બનાવવા માગતો હતો : CIAના ગુપ્ત રિપોર્ટમાં ખુલાસો

9/11 પહેલાં ભારત સહિત 8 દેશોમાં હુમલાની યોજના હતી : ભારતમાં કયા સ્થળે હુમલો કરવો તેની કોઈ ચોક્કસ માહિતી નહોતી

આતંકવાદી સંગઠન અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન 9/11ના આતંકી હુમલા પહેલાં ભારત સહિત અનેક દેશોને નિશાન બનાવવા માગતો હતો. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા એક દસ્તાવેજમાં આ અંગે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.

28 ઓગસ્ટ 1998ના આ રિપોર્ટમાં બિન લાદેનના આતંકી નેટવર્ક દ્વારા ભારત સહિત અનેક દેશોમાં હુમલાની સંભાવિત યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતમાં કયા સ્થળે અથવા કઈ તારીખે હુમલો કરવાનો હતો તે અંગે દસ્તાવેજમાં કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.

ભારત સહિત 8 દેશો નિશાન પર

CIAના અહેવાલ મુજબ બિન લાદેન ભારત ઉપરાંત પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન અને યુગાન્ડા સહિત કુલ 8 દેશોમાં આતંકી હુમલા કરાવવા માગતો હતો. જોકે, ભારતમાં હુમલાના કાવતરા અંગે રિપોર્ટમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ દસ્તાવેજનું શીર્ષક ‘બિન લાદેનનું આતંકી નેટવર્ક હજુ પણ ખતરો છે’ હતું. 100થી વધુ પાનાના આ દસ્તાવેજના કેટલાક ભાગોને હજુ પણ જાહેર કરવામાં આવ્યા નથી. તેમજ ગુપ્ત માહિતી કયા સ્ત્રોતમાંથી મળી હતી તેની વિગતો પણ જાહેર કરાઈ નથી.

60થી વધુ દેશોમાં નેટવર્ક હોવાનો ઉલ્લેખ

રિપોર્ટમાં જણાવાયું હતું કે બિન લાદેન ઓછામાં ઓછા 60 દેશોમાં રહેલા પોતાના માણસો તેમજ અન્ય આતંકવાદી સંગઠનોની મદદથી હુમલા કરાવી શકે તેમ હતો. CIA દ્વારા 1998થી 2001 દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિઓને બિન લાદેન અને અલ-કાયદાના વધતા જોખમ અંગે અનેક વખત માહિતી આપવામાં આવી હતી.

જાહેર કરાયેલા દસ્તાવેજોમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળથી લઈને જ્યોર્જ ડબલ્યુ. બુશના શરૂઆતના કાર્યકાળ સુધીના અહેવાલોનો સમાવેશ થાય છે.

11 સપ્ટેમ્બર 2001ના હુમલામાં લગભગ 3 હજારનાં મોત

ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ-કાયદાના 19 આતંકવાદીઓએ ચાર પેસેન્જર વિમાનો હાઇજેક કર્યા હતા. બે વિમાનો ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાયા હતા, જેના પગલે બંને ઇમારતો ધરાશાયી થઈ હતી.

ત્રીજું વિમાન વોશિંગ્ટન નજીક પેન્ટાગન સાથે અથડાયું હતું, જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયામાં ક્રેશ થયું હતું. આ હુમલામાં અંદાજે 3,000 લોકોનાં મોત થયા હતા.

Leave a Comment