રાજ્યના 240 તાલુકામાં વરસાદથી ખેતીના પાકમાં જીવ આવ્યો

ગુજરાતમાં એકાદ મહિના બાદ ફરી મેઘરાજાએ જોરદાર પધરામણી કરતાં ખરીફ પાકને જીવતદાન મળવાની આશા જાગી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. ખાસ કરીને મગફળી, કપાસ અને કઠોળ સહિતના પાક સુકાવાની સ્થિતિમાં પહોંચ્યા હતા ત્યારે વરસાદના નવા રાઉન્ડથી કૃષિ ઉત્પાદનનું ચિત્ર સુધરવાની આશા ઊભી થઈ છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે અનેક તાલુકામાં 2થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

કૃષિ નિષ્ણાતોના મતે વર્તમાન વરસાદી રાઉન્ડ ખેતી માટે અત્યંત મહત્વનો છે. છેલ્લા એકાદ મહિનાથી સાર્વત્રિક વરસાદના અભાવે જ્યાં સિંચાઈની સુવિધા નહોતી તેવા વિસ્તારોમાં ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ હતી. મગફળીના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા વચ્ચે હવે વરસાદ થતાં પાકને નવી સંજીવની મળવાની શક્યતા છે.

હવામાન વિભાગે લો-પ્રેશર સિસ્ટમની અસર હેઠળ 17 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેથી આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત્ રહે તો ખરીફ પાકની સ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે. સાથે જ જળાશયોમાં પણ નવા નીરની આવક વધતાં પાણીની સ્થિતિ સુધરવાની આશા છે.

વર્તમાન રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ હોવાથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં તેની વધુ અસર જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.45 ઇંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 113 મીમી વરસાદ પડ્યો હતો. ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત બોટાદના બરવાળામાં 3.39 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 3.35 ઇંચ, નવસારીના વાંસદામાં 3.27 ઇંચ, વલસાડના વાપીમાં 3.11 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.03 ઇંચ અને સુરેન્દ્રનગરના ચૂડામાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ખેડાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ, અમદાવાદના ધંધૂકામાં 2.13 ઇંચ અને અમદાવાદ શહેરમાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેતાં ખેડૂતોમાં ખરીફ પાકને લઈને ફરી આશાવાદ જાગ્યો છે.

Leave a Comment