સસ્તી કિંમતથી ટૂંકા ગાળે માર્કેટ શેર વધી શકે : લાંબાગાળાની સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર નહીં
મુકેશ અંબાણીની કંપની દ્વારા સોફ્ટ ડ્રિન્કથી લઈને આઈસ્ક્રીમ સુધીના ક્ષેત્રમાં આક્રમક રીતે પ્રવેશ કરવામાં આવતા બજારમાં સ્પર્ધા વધુ તીવ્ર બની છે. ખાસ કરીને કોકાકોલા અને પેપ્સીકો સામે કેમ્પાકોલાને સસ્તા ભાવે લોન્ચ કરીને માર્કેટ શેર વધારવાની તૈયારી કરવામાં આવી છે.
આ સ્થિતિ વચ્ચે કોકાકોલાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભાવની આક્રમક સ્પર્ધામાં ઉતરવાની નથી. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એનરીક બ્રોનના જણાવ્યા મુજબ, કેમ્પાકોલા માત્ર રૂ.10માં વેચાઈ રહી હોવાથી ટૂંકા ગાળે તેનો માર્કેટ શેર વધી શકે છે, પરંતુ કોકાકોલા પોતાની લાંબાગાળાની વ્યૂહરચનામાં કોઈ ફેરફાર કરશે નહીં.
કોકાકોલાના જણાવ્યા મુજબ, સસ્તા ભાવે વેચાતા સોફ્ટ ડ્રિન્ક્સ થોડા સમય માટે બજારમાં હિસ્સો વધારી શકે છે, પરંતુ લાંબાગાળાની સફળતા માટે માત્ર કિંમત પર આધાર રાખી શકાય નહીં. હાલના તબક્કે કંપનીના વેચાણ પર થોડો પ્રભાવ પડી શકે છે, તેમ છતાં મુશ્કેલ બજાર પરિસ્થિતિમાં લાંબાગાળે ટકી રહેવાની પોતાની ક્ષમતા પર કંપનીને વિશ્વાસ છે.
કંપનીએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર ભાવના કારણે ઊભી થયેલી સ્પર્ધાના શોરબકોરમાં આવીને પોતાની વ્યૂહરચના બદલવાનો તેનો કોઈ ઈરાદો નથી. કોકાકોલા લાંબાગાળાના બજાર અને ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધશે.









