વિજય માલ્યાને ઈડીનો જવાબ : બેન્કના નાણાં ભરવાથી કેસ બંધ નહીં થાય

બેન્કોની વસુલાત અને ફોજદારી કાર્યવાહી અલગ બાબત : ઈડીએ મુંબઈ હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી

વિજય માલ્યા સામે ચાલી રહેલા મની લોન્ડ્રીંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહત્વની સ્પષ્ટતા કરી છે. ઈડીએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું છે કે માત્ર બેન્કોના નાણાંની વસુલાત થઈ જવાથી માલ્યા સામે નોંધાયેલા મની લોન્ડ્રીંગના કેસ બંધ થઈ શકે નહીં.

વિજય માલ્યાએ દલીલ કરી હતી કે તેમની સામે આશરે રૂ.9 હજાર કરોડના દેવા સામે બેન્કો અત્યાર સુધીમાં રૂ.12 હજાર કરોડથી વધુની વસુલાત કરી ચૂકી છે. તેથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવે અને વધારાની રકમ બેન્કો પરત કરે તેવી માંગ કરવામાં આવી હતી.

આ મામલે ઈડીના ધારાશાસ્ત્રીએ કોર્ટમાં જણાવ્યું કે બેન્કોની વસુલાત અને માલ્યા સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી બંને અલગ બાબતો છે. માલ્યા સામે નાણાકીય ગેરરીતિના આરોપોને આધારે મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાથી માત્ર નાણાંની વસુલાતના આધારે કાર્યવાહી સમાપ્ત કરી શકાય નહીં.

વિજય માલ્યા વર્ષ 2016માં ભારત છોડીને બ્રિટન ગયા હતા અને વર્ષ 2019માં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. ઈડીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સામેની કાયદાકીય કાર્યવાહી યથાવત રહેશે.

Leave a Comment

और पढ़ें