કોમન કરન્સી નહીં, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની ભારતે કરી હિમાયત
નવી દિલ્હી : આવતીકાલથી શરૂ થનારી બ્રિકસ શિખર પરિષદ પહેલાં ભારતે બ્રિકસ દેશો માટે અલગ કોમન કરન્સીની રચનાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે બ્રિકસ કરન્સીની જગ્યાએ સભ્ય દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાની હિમાયત કરી છે.
શિખર બેઠકના પ્રારંભ પૂર્વે યોજાયેલી બ્રિકસ વેપાર મંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત બ્રિકસ માટે કોમન કરન્સીની તરફેણમાં નથી. તેના બદલે સભ્ય દેશોએ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) અથવા ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પરસ્પર ડિજિટલ વ્યવહારો વધારવા જોઈએ.
ગોયલે ભારતની યુપીઆઈ સિસ્ટમનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે દરેક દેશ પોતાની રાષ્ટ્રીય કરન્સી અને નાણાકીય વ્યવસ્થા જાળવી રાખે, પરંતુ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી સરહદ પારના વ્યવહારો સરળ બનાવી શકાય. ભારતનું ધ્યાન કોઈ નવી સંયુક્ત કરન્સી ઊભી કરવા કરતાં ઝડપી અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વિકસાવવા પર છે.
અગાઉ બ્રિકસ દેશોમાં અમેરિકી ડોલરના વિકલ્પ તરીકે કોઈ વૈકલ્પિક અથવા સમાનાંતર કરન્સી ઊભી કરવાની ચર્ચા થઈ હતી. જોકે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ડોલરને નબળો પાડવાના પ્રયાસની તરફેણમાં નથી.
આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ બ્રિકસ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે જો ડોલરના વિકલ્પ તરીકે નવી કરન્સી ઊભી કરવામાં આવશે તો ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે. હવે ભારતે કોમન બ્રિકસ કરન્સીથી અંતર રાખીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રાથમિકતા આપતા તેનું વલણ વધુ સ્પષ્ટ કર્યું છે.








