પશુપાલક અને યુવકને નિશાન બનાવી દાગીના લૂંટ્યા હતા, ચાર આરોપી ઝડપાયા; રૂ.2.87 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ: રાજકોટ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં લોકોને આંતરી છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી તેમની પાસેથી સોનાના દાગીના, વાહનો અને મોબાઈલ સહિત કુલ રૂ.2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી એક ઘાતક છરી પણ મળી આવી છે.
શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં પશુ ચરાવતા એક પશુપાલકને આરોપીઓએ આંતરી બેફામ માર માર્યો હતો અને તેની પાસેથી સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત કણકોટ ગામ નજીક એક યુવકને છરી બતાવી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ હતી.
બંને બનાવોની ગંભીરતાને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચારને દબોચ્યા
શહેરમાં ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લૂંટ અને અન્ય અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચેતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળની ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં **ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા (21), હિતેન ઉર્ફે હકો રાજુ ગોહેલ (23), નિલેશ ઉર્ફે ભુરો ગોપાલ વાઘેલા (22) અને ભરત ઉર્ફે ભરતો પોપટ પરમાર (23)**નો સમાવેશ થાય છે.
એકલા જતા લોકોને બનાવતા હતા નિશાન
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સમયાંતરે બાઈક લઈને શહેર તથા આસપાસના વિસ્તારોમાં નીકળતા હતા. જાહેરમાં એકલા જતા લોકોને ટાર્ગેટ કરી તેમને છરી જેવા હથિયાર બતાવી ડરાવતા અથવા માર મારી દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી ફરાર થઈ જતા હતા.
આરોપીઓ પાસેથી સોનાના દાગીના, વાહનો અને મોબાઈલ ફોન સહિત રૂ.2,87,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
અગાઉથી પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા
ઝડપાયેલા શખ્સો રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમની સામે હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને મારામારી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ વધુ કોઈ મોટી લૂંટ અથવા હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે.
ઘાતક છરી પણ કબજે
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઘાતક છરી પણ કબજે કરી છે. આ છરીના આધારે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
હાલ ચારેય આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં બનેલા અન્ય લૂંટ અને ચોરીના ગુનાઓ અંગે પણ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.









