હૈદરાબાદના સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાંથી AK-47, INSAS સહિત 11 હથિયારોની ચોરી
હૈદરાબાદના સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ સ્થિત હાઈ-સિક્યોરિટી મિલિટરી વિસ્તારમાંથી હથિયારોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આર્મી બેઝમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં એકે-47 અને ઈન્સાસ રાયફલ સહિત કુલ 11 હથિયારો ગાયબ થતાં સેનાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ રવિવારની રાત્રે સિકંદરાબાદ કેન્ટોનમેન્ટના હાઈ-સિક્યોરિટી વિસ્તારમાંથી આ હથિયારો ચોરી થયા હતા. ઘટનાની જાણ થતાં જ સેનાએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને હથિયારોની શોધખોળ શરૂ કરી હતી.
સેનાની ફરિયાદના આધારે બોલ્લારામ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ઉપરાંત સેનાની ટીમ દ્વારા પણ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સુરક્ષાના અભેદ્ય કવચમાં કેવી રીતે પડ્યો ગાબડું?
આર્મી બેઝમાં હથિયારો રાખવામાં આવતા સ્થળે સામાન્ય વિસ્તાર કરતાં પણ વધુ કડક સુરક્ષા ગોઠવવામાં આવે છે. આવા હાઈ-સિક્યોરિટી મિલિટરી એરિયામાંથી એકે-47 અને ઈન્સાસ જેવી રાયફલ સહિત 11 હથિયારો ગાયબ થવાની ઘટનાએ તપાસ એજન્સીઓની ચિંતા વધારી છે.
હથિયારો સુધી પહોંચવા માટેની સુરક્ષા વ્યવસ્થા અને પ્રવેશ પ્રક્રિયાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બહારની વ્યક્તિ માટે આવા સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ હોવાથી કોઈ જાણભેદુની મદદથી હથિયારો બહાર કાઢવામાં આવ્યા હતા કે કેમ? તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
સેનાએ સમગ્ર વિસ્તાર સીલ કર્યો
હથિયારો ગાયબ થયાની જાણ થયા બાદ સેનાએ મિલિટરી વિસ્તારની સુરક્ષા વધુ કડક કરી દીધી છે. સમગ્ર વિસ્તારને સીલ કરીને આવનજાવન પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અને સેનાની તપાસમાં ચોરી પાછળનું કારણ, હથિયારો ક્યાં ગયા અને સુરક્ષામાં કઈ જગ્યાએ ચૂક થઈ તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાલ આ ચોરી પાછળ કોણ જવાબદાર છે અને તેમાં કોઈ અંદરના વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે સત્તાવાર રીતે કોઈ ખુલાસો થયો નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર બહાર આવશે.








