અમેરિકા બાદ કેનેડામાં RSS વડાનું સંબોધન

સેવા અને સંસ્કારના બળે ભારત વિશ્વગુરુ બન્યું : મોહન ભાગવત

ટોરન્ટો : વિશ્વમાં ઝડપથી બદલાઈ રહેલા ભૂ-રાજકીય પરિદૃશ્ય વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ડો. મોહન ભાગવતે ભારતની વૈશ્વિક ભૂમિકા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતને એક રીતે સુપરપાવર કહી શકાય, પરંતુ ભારત ક્યારેય સુપરપાવર બનવાના હેતુથી વિશ્વમાં આગળ વધ્યું નથી. ભારત પોતાની સેવા અને ચરિત્રના કારણે વિશ્વગુરુ બન્યું છે.

અમેરિકા બાદ કેનેડા પહોંચેલા મોહન ભાગવતે ટોરન્ટોમાં યોજાયેલા ‘હિન્દુ વિશ્વબંધુ-એમ્બ્રેસ ધ વર્લ્ડ’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની પરંપરા અને સંસ્કારમાં જ જરૂરિયાતમંદોની મદદ કરવાની ભાવના રહેલી છે. વિશ્વના કોઈપણ દેશમાંથી ભારત પાસે મદદ માંગવામાં આવે ત્યારે ભારતે ક્યારેય મદદ કરવાનો ઇનકાર કર્યો નથી.

નેપાળમાં આવેલા વિનાશક પૂરથી લઈને કોરોના મહામારી દરમિયાન ભારતે વિશ્વના અનેક દેશોને કરેલી મદદનો ઉલ્લેખ કરતાં ભાગવતે જણાવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં ભારત માનવતાના ધોરણે હંમેશા સહયોગ માટે આગળ આવ્યું છે. અન્યની સેવા કરવી એ ભારતના સંસ્કાર અને પરંપરાનો અભિન્ન હિસ્સો છે.

‘વસુધૈવ કુટુંબકમ્’ ભારતની વિચારધારા

મોહન ભાગવતે કહ્યું હતું કે ભારત ‘વસુધૈવ કુટુંબકમ્’ની ફિલોસોફીમાં વિશ્વાસ રાખે છે. સમગ્ર વિશ્વ એક પરિવાર છે અને જ્ઞાન તથા વિચારો માટે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. માનવજાતની સેવા કરવી એ આપણી જવાબદારી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના પૂર્વજો પ્રાચીન સમયમાં મેક્સિકોથી લઈને સાઇબેરિયા સુધીના વિસ્તારોમાં ગયા હતા. તેમણે હિમાલયને પગપાળા પાર કર્યો હતો અને એશિયાના વિવિધ વિસ્તારોમાં પહોંચીને જ્ઞાન, ખગોળવિજ્ઞાન, આયુર્વેદ તથા સભ્યતાના મૂલ્યોનો પ્રસાર કર્યો હતો.

ભાગવતે સ્પષ્ટ કર્યું હતું કે ‘હિન્દુ’ શબ્દ માત્ર કોઈ એક ભાષા, પૂજા પદ્ધતિ કે જીવનશૈલી સુધી મર્યાદિત નથી. તેની પાછળ સમગ્ર વિશ્વને સાથે લઈને ચાલવાની અને માનવતાની સેવા કરવાની વિશાળ વિચારધારા છે.

તેમણે કહ્યું હતું કે ભારતની સાચી શક્તિ માત્ર આર્થિક કે સૈન્ય ક્ષમતામાં નથી, પરંતુ તેની સેવા, સંસ્કાર, ચરિત્ર અને સમગ્ર વિશ્વને પરિવાર માનવાની વિચારધારામાં રહેલી છે.

Leave a Comment

और पढ़ें