મની લોન્ડરિંગ કરનારા વધુ ચાલાક બન્યા : વૈશ્વિક સંકલનના અભાવે આર્થિક અપરાધ સામે પડકાર
દેશમાં કાળાં નાણાં અને મની લોન્ડરિંગ સામે એન્ફોર્સમેન્ટ સહિતની સરકારી એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં, આર્થિક અપરાધીઓ વધુ ચાલાક બનતા જતા હોવાથી ગેરકાયદેસર રીતે હેરફેર કરાયેલા નાણાંનો મોટો હિસ્સો કાયદાની પહોંચથી બહાર રહી જાય છે.
લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આર્થિક અપરાધ અંગે યોજાયેલા વૈશ્વિક સંમેલનમાં સંબોધન કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે મની લોન્ડરિંગ અંગે ચોંકાવનારી હકીકત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ દ્વારા હેરફેર થતા દરેક રૂ.100માંથી સરકારી એજન્સીઓ માત્ર રૂ.1 જેટલી રકમ જ વસૂલ કરી શકે છે.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે વિશ્વભરમાં મની લોન્ડરિંગ થતી રકમનું પ્રમાણ અત્યંત વિશાળ છે. ગેરકાયદેસર નાણાં સર્જનારા લોકો હવે અત્યંત આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તપાસ એજન્સીઓ માટે આવા નાણાંની હિલચાલ શોધવી વધુ મુશ્કેલ બની રહી છે.
તેમના જણાવ્યા મુજબ, દેશમાંથી મની લોન્ડરિંગ કરીને વિદેશ ભાગી જતા આર્થિક અપરાધીઓને ઝડપી પાડવા માટે વૈશ્વિક સ્તરે પૂરતું સંકલન જોવા મળતું નથી. વિવિધ દેશોની તપાસ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે વધુ મજબૂત સહકારની જરૂરિયાત છે.
કેમ્બ્રિજમાં યોજાયેલા સંમેલનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં મની લોન્ડરિંગ થતી રકમ એટલી વિશાળ છે કે તેના પ્રમાણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કુલ ગેરકાયદેસર સંપત્તિમાંથી મોટાભાગનો હિસ્સો માત્ર ચર્ચા, અહેવાલો અને આંકડાઓમાં જ રહી જાય છે, જ્યારે વાસ્તવમાં અત્યંત નાનો હિસ્સો જ ઝડપાય છે.
ચીફ જસ્ટિસે આ સંદર્ભમાં કૌટીલ્યના અર્થશાસ્ત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજા માટે મહેસૂલ વસૂલવાની જવાબદારી સંભાળતો અધિકારી તેમાંથી પોતાના માટે કંઈ જ ન રાખે તે હંમેશા શક્ય બને એવું નથી. કૌટીલ્યના આ સંદર્ભ દ્વારા તેમણે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર સંપત્તિના સર્જનની જૂની વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું હતું.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મની લોન્ડરિંગ સામેની લડાઈમાં માત્ર દેશની અંદરની કાર્યવાહી પૂરતી નથી. ગેરકાયદેસર નાણાંની હેરફેરને રોકવા અને વિદેશમાં છુપાવાયેલી સંપત્તિ પરત મેળવવા માટે દેશો વચ્ચે વધુ અસરકારક વૈશ્વિક સહયોગ જરૂરી છે.








