યુદ્ધની અસર વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની ભીતિ; ઓઈલ કંપનીઓ પર વધતો ખર્ચનો બોજ
નવી દિલ્હી: ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધના સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતના ક્રૂડ ઓઈલ આયાત ખર્ચ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ક્રૂડ ઓઈલના વૈશ્વિક સપ્લાય અને ભાવને લઈને અનિશ્ચિતતા વધી છે.
ભારતે કોઈ એક દેશ પર ક્રૂડ ઓઈલ માટે વધુ પડતી નિર્ભરતા ટાળવા માટે વિવિધ દેશોમાંથી આયાત શરૂ કરી છે. જોકે, અલગ-અલગ દેશોમાંથી મળતા ક્રૂડની ગુણવત્તા અને ભાવમાં તફાવત હોવાથી કેટલાક સપ્લાય માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે.
જુલાઈમાં દરરોજ 27.8 લાખ બેરલ ક્રૂડની આયાત
જુલાઈ મહિનામાં ભારતે દરરોજ આશરે 27.8 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ઈરાનની સપ્લાયમાં પડકારો વચ્ચે રશિયા સહિતના અન્ય દેશોમાંથી ક્રૂડની ખરીદી વધારવામાં આવી છે.
રશિયન ક્રૂડ પણ ઊંચા પ્રીમિયમને કારણે ભારત માટે અગાઉની સરખામણીએ મોંઘું પડી રહ્યું છે. વૈશ્વિક બજારમાં સપ્લાયને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાના કારણે આયાત ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
રૂ.1.8 લાખ કરોડનો વધારાનો બોજ
ક્રૂડ ઓઈલની આયાત પાછળ ભારતનો ખર્ચ આશરે 22.5 અબજ ડોલર, એટલે કે લગભગ રૂ.1.8 લાખ કરોડ વધ્યો હોવાનું જણાવાયું છે.
આ સાથે દેશનો કુલ ક્રૂડ ઓઈલ આયાત ખર્ચ આશરે રૂ.14.4 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. વધતો આયાત ખર્ચ સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ક્રૂડ ઓઈલની ઊંચી કિંમત અને આયાત ખર્ચનો સીધો બોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર પડી રહ્યો છે. હાલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર કર્યા વગર આ વધારાનો ખર્ચ કેટલો સમય સુધી સહન કરી શકે તે મહત્વનો પ્રશ્ન છે.
બીજી તરફ CNGના ભાવમાં વધારો શરૂ થઈ ચૂક્યો છે, જેના પગલે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને પણ ચિંતા વધી છે.
જો આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઘટાડો નહીં થાય અને આયાત ખર્ચ ઊંચો જ રહેશે તો આગામી સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.








