SIP રોકાણમાં મોટો ફેરફારઃ લાર્જકેપ અને ELSSમાંથી રોકાણકારોનો ઝોક મિડકેપ-સ્મોલકેપ તરફ વધ્યો
મુંબઈ: છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. ખાસ કરીને SIP મારફતે રોકાણ કરનારા રોકાણકારો હવે લાર્જકેપ અને ટેક્સ સેવિંગ (ELSS) ફંડ કરતાં મિડકેપ અને સ્મોલકેપ ફંડ તરફ વધુ વળી રહ્યા છે.
રોકાણની આ બદલાતી પેટર્નમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે નાની ઉંમરે રોકાણ શરૂ કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. યુવાનોમાં SIPને લઈને ઉત્સાહ સતત વધતો જોવા મળી રહ્યો છે.
20 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોમાં 92%નો ઉછાળો
આંકડા મુજબ, 20 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોની લાઇવ SIP સંખ્યા માત્ર એક વર્ષમાં 92 ટકા વધીને 2.9 લાખ થઈ છે. જ્યારે 20થી 30 વર્ષની વયના રોકાણકારોની લાઇવ SIP સંખ્યા 15 ટકા વધીને 85.5 લાખ થઈ છે.
કુલ રોકાણની વાત કરીએ તો 20 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોના રોકાણમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થયો છે. બીજી તરફ 20થી 30 વર્ષની વયના રોકાણકારોના રોકાણમાં 41 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
યુવાનો સરેરાશ બે SIPમાં રોકાણ કરે છે
25 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારો હાલમાં સરેરાશ બે SIP ચલાવી રહ્યા છે. જ્યારે 25 વર્ષથી વધુ ઉંમરના રોકાણકારો સામાન્ય રીતે 3થી 4 SIPમાં નિયમિત રોકાણ કરે છે.
માસિક નવા ખાતાં ખોલવામાં અને નવી રોકાણ રકમ લાવવામાં પણ યુવાનોની ભાગીદારી સતત વધી રહી છે.
લાર્જકેપમાં ઘટાડો, મિડકેપ-સ્મોલકેપમાં વધારો
એમ્ફી-ક્રિસિલ ફેક્ટબુકના માર્ચ સુધીના ડેટા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં SIP રોકાણની કેટેગરીમાં મોટો ફેરફાર થયો છે.
2021માં લાર્જકેપ ફંડનો SIP હિસ્સો 16 ટકા હતો, જે 2026માં ઘટીને 10 ટકા થયો છે.
બીજી તરફ મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં રોકાણકારોની ભાગીદારી વધી છે.
- મિડકેપ: 12.1%થી વધીને 13%
- સ્મોલકેપ: 8.3%થી વધીને 12.1%
- લાર્જકેપ: 16%થી ઘટીને 10%
- ELSS: 12.1%થી ઘટીને 6.8%
ELSSમાંથી પણ રોકાણકારો દૂર થયા
ટેક્સ બચત માટે લોકપ્રિય ELSS ફંડમાં પણ રોકાણકારોનો રસ ઘટ્યો છે. તેનો SIP હિસ્સો પાંચ વર્ષમાં 12.1 ટકાથી ઘટીને 6.8 ટકા થયો છે.
તેની સામે મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં SIPનો હિસ્સો સતત વધ્યો છે. ખાસ કરીને મિડકેપ કેટેગરીનો હિસ્સો 13 ટકા સુધી પહોંચતા તે રોકાણકારોની સૌથી પસંદગીની કેટેગરી બની હોવાનું આંકડા દર્શાવે છે.
રોકાણની બદલાતી માનસિકતા
આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતીય રોકાણકારો હવે લાંબા ગાળે વધુ વૃદ્ધિની સંભાવના ધરાવતા શેરો તરફ ધ્યાન આપી રહ્યા છે. સાથે જ SIP દ્વારા નાની ઉંમરથી નિયમિત રોકાણ કરવાની ટેવ પણ ઝડપથી વધી રહી છે.
જોકે, મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં બજારની અસ્થિરતા અને જોખમ લાર્જકેપની તુલનામાં વધુ હોઈ શકે છે. તેથી રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા, સમયગાળો અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ.









