જુલાઈમાં ક્રેડિટ કાર્ડનો ધમધમાટ : 12.6 લાખ નવા કાર્ડ ઉમેરાયા

HDFC બેંકે સૌથી વધુ કાર્ડ આપ્યા, કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા 12.29 કરોડને પાર

નવી દિલ્હી: ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના તાજેતરના આંકડા મુજબ, જુલાઈ મહિનામાં દેશમાં 12.6 લાખ નવા નેટ ક્રેડિટ કાર્ડ ઉમેરાયા છે. જૂનની સરખામણીએ નવા કાર્ડની સંખ્યામાં 11.5 ટકાનો વધારો થયો છે. આ સાથે દેશમાં કુલ સક્રિય ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 12.29 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ 9.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

જુલાઈમાં ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ.2.08 લાખ કરોડનો ખર્ચ થયો હતો. વાર્ષિક ધોરણે તેમાં 7.4 ટકા અને માસિક ધોરણે 3.4 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, ખર્ચ કરતાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધુ મોટો ઉછાળો આવ્યો છે. જુલાઈમાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં 24.5 ટકાનો વધારો નોંધાતા સરેરાશ ટ્રાન્ઝેક્શન રકમ રૂ.3,987થી ઘટીને રૂ.3,440 થઈ છે.

આ આંકડા દર્શાવે છે કે લોકો હવે માત્ર મોટી ખરીદી માટે જ નહીં પરંતુ રોજિંદા જીવનની નાની-મોટી ખરીદી માટે પણ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ તરફ વધતા વલણને કારણે ક્રેડિટ કાર્ડનો ગ્રાહક આધાર પણ સતત વિસ્તરી રહ્યો છે.

નવા કાર્ડ જારી કરવામાં HDFC બેંક પ્રથમ ક્રમે રહી છે. જુલાઈમાં HDFC બેંકે 2,30,067 નવા કાર્ડ ઉમેર્યા હતા. ત્યારબાદ SBI કાર્ડે 1,83,076 અને ICICI બેંકે 1,70,156 નવા કાર્ડ ઉમેર્યા હતા. ફેડરલ બેંકે 1,08,492, IDFC ફર્સ્ટ બેંકે 82,723, એક્સિસ બેંકે 70,091 અને કોટક મહિન્દ્રા બેંકે 64,617 નવા કાર્ડ ઉમેર્યા છે.

બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોમાં જુલાઈ દરમિયાન 9,397 કાર્ડનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં HDFC બેંકે સૌથી વધુ 21 લાખ નવા કાર્ડ ઉમેર્યા છે. ICICI બેંકે 16.4 લાખ અને SBI કાર્ડે 15 લાખ નવા કાર્ડ ઉમેર્યા છે.

બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, દેશમાં ક્રેડિટ કાર્ડની માંગ મજબૂત બની રહી છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતો માસિક ખર્ચ સતત રૂ.2 લાખ કરોડથી ઉપર રહે છે, જે ગ્રાહકોમાં ડિજિટલ અને કેશલેસ પેમેન્ટના વધતા ઉપયોગને દર્શાવે છે. ખાસ કરીને સરકારી બેંકોના ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો નોંધાતા આ ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવનાઓ વધુ મજબૂત બની છે.

Leave a Comment

और पढ़ें