નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે સવારે ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભારે પૂરે ભારે તબાહી મચાવી છે. તિબેટ તરફથી ધસી આવેલા પૂરનાં પાણીથી ટિમુરે, સ્યાફ્રુબેસી અને આસપાસના વિસ્તારોમાં ઘરો, દુકાનો, વાહનો, રસ્તાઓ અને પુલોને મોટું નુકસાન થયું છે. અચાનક પાણીનો પ્રવાહ વધતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પૂરની સૌથી વધુ અસર રસુવા જિલ્લામાં જોવા મળી છે. ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું. અનેક વાહનો અને બાંધકામો પાણી તથા કાટમાળમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ચીન-નેપાળ સરહદને જોડતા માર્ગને પણ ભારે નુકસાન થતાં કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.
પૂર બાદ સુરક્ષા દળોના અનેક કર્મચારીઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સરકારી કર્મચારીઓ પણ સંપર્કવિહોણા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ હોવાથી ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.
હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. ભારે પાણી અને કાટમાળને કારણે જમીન માર્ગે પહોંચવામાં મુશ્કેલી હોવાથી હવાઈ બચાવ કામગીરી મહત્વપૂર્ણ બની છે.
દરમિયાન ભોટેકોશી નદીનું પાણી ત્રિશૂલી નદી તરફ આગળ વધતાં નદી કિનારે આવેલા અન્ય જિલ્લાઓમાં પણ સતર્કતા વધારવામાં આવી છે. રસુવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન તરફ નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ચીન-નેપાળ સરહદનો માર્ગ પ્રભાવિત
ભારે પૂરથી બેટ્રાવતીથી રસુવાગઢી અને ચીન સરહદ તરફ જતા મહત્વના માર્ગને અનેક સ્થળોએ નુકસાન થયું છે. રસ્તાઓ ધોવાઈ જવા ઉપરાંત અનેક પુલોને પણ નુકસાન પહોંચ્યું છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં વાહનવ્યવહાર અને આવશ્યક સેવાઓને અસર થઈ છે.
હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ, રેસ્ક્યૂ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે. ગુમ થયેલા લોકોની શોધખોળ તથા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરથી થયેલા જાનમાલના નુકસાનનો અંતિમ આંકડો બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.








