મોરબીમાં રેફ્રિજરેશનની દુકાનમાં ચોરી : બારીના સળિયા તોડી રૂ.1.80 લાખનો કોપર વાયર ઉઠાવી ગયા

તસ્કરોએ દુકાનમાં ઘૂસી 100 કિલો જેટલો શુદ્ધ કોપર વાયર ચોરી કર્યો

મોરબી: મોરબીના ઘુટુ રોડ ઉપર આઈટીઆઈ કોલેજની પાછળ આવેલી ડાયમંડ રેફ્રિજરેશનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રિના સમયે દુકાન બંધ હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ પાછળની બારીના લોખંડના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રાખેલા આશરે 100 કિલો કોપર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભુવનભાઈ પટેલ (ઉં.વ.42) એસી રિપેરિંગ અને વેચાણનો વ્યવસાય કરે છે. તેમની ઘુટુ રોડ પર આઈટીઆઈ કોલેજની પાછળ પીપળી ગામ તરફ જવાના રસ્તા પર ડાયમંડ રેફ્રિજરેશન નામની દુકાન આવેલી છે.

દુકાન બંધ હતી તે દરમિયાન અજાણ્યા શખ્સે પાછળના ભાગે આવેલી લોખંડની બારીના સળિયા તોડી નાખ્યા હતા. ત્યારબાદ દુકાનમાં પ્રવેશ કરી નવા શુદ્ધ કોપરના વાયરના ફીંડલા ઉપરાંત નાના-મોટા કોપર વાયરના ટુકડાઓ પણ ચોરી લીધા હતા. વેપારીના જણાવ્યા મુજબ, કુલ આશરે 100 કિલો કોપર વાયર ચોરી થયો છે, જેની કિંમત અંદાજે રૂ.1.80 લાખ જેટલી થાય છે.

ચોરીની જાણ થતાં કૌશિકભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે દુકાન આસપાસના વિસ્તારની માહિતી એકત્રિત કરી તસ્કરની ઓળખ કરવા તેમજ તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें