અમેરિકા-ઈરાન વચ્ચે હવે ‘શસ્ત્રો નહીં, અર્થતંત્રનું યુદ્ધ’ : ભારત પણ ઝપટે

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ યથાવત્ છે, પરંતુ હવે બંને દેશો વચ્ચેની ટક્કર આર્થિક મોરચે વધુ ઉગ્ર બની રહી છે. અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધોનો વ્યાપ વધારતાં ભારત સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓ અને વ્યક્તિઓ પણ તેની ઝપેટમાં આવી છે. બીજી તરફ ઈરાને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં જહાજો પાસેથી ડોલર સિવાયની કરન્સીમાં શુલ્ક વસૂલવાની યોજના દ્વારા અમેરિકી ચલણના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કર્યો છે.

અમેરિકાએ ઈરાન સાથે વેપારિક સંબંધો ધરાવતા દેશો અને કંપનીઓને ચેતવણી આપ્યા બાદ ભારતની ચાર કંપનીઓ અને ત્રણ વ્યક્તિઓ સામે પ્રતિબંધની કાર્યવાહી કરી છે. ભારતીય કસ્ટમ બ્રોકર કંપની પોર્ટઇઝ પાર્ટનર્સ પર ઈરાની પેટ્રોલિયમ પ્રોડક્ટની ખેપ ભારતમાં લાવવાનો આરોપ મૂકાયો છે. કંપનીના બે ભાગીદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સદાશિવ ઓવરસીઝ, પીપી સોફટટેક અને પ્રકૃતિસ ઈન્ફ્રા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પીપી સોફટટેક સાથે સંકળાયેલા પ્રશાંત ગર્ગને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

અમેરિકાના નાણાં વિભાગનું કહેવું છે કે ઈરાનની આર્થિક ‘લાઇફલાઇન’ કાપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાન સાથે જોડાયેલી અનેક કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો સામે પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના આ પગલાંથી ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં પણ નવા તણાવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત માટે આ મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકા સાથે ટેરિફ સહિતના મુદ્દે પહેલેથી જ મતભેદો છે. હવે ભારતીય કંપનીઓ પર ઈરાન સાથેના વેપારને લઈને અમેરિકી પ્રતિબંધો લાગતાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પર વધુ દબાણ આવી શકે છે. ખાસ કરીને ઈરાનમાંથી પેટ્રોલિયમ અને અન્ય ચીજવસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગો પર તેની અસર થઈ શકે છે.

બીજી તરફ ઈરાને પણ આર્થિક મોરચે મોટો દાવ રમ્યો છે. હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં દરિયાઈ જહાજો પાસેથી શુલ્ક વસૂલવાની યોજના અંગે ઈરાનમાં ચર્ચા ચાલી રહી છે. ઈરાની સરકારી અહેવાલો મુજબ, જહાજો પાસેથી નેવિગેશન, પર્યાવરણ સુરક્ષા, વીમા અને સુરક્ષા જેવી સેવાઓના બદલામાં આ ફી વસૂલવામાં આવી શકે છે.

ઈરાની સાંસદ હસન ઘશઘવીના જણાવ્યા મુજબ, આ શુલ્ક ઈરાની રિયાલ ઉપરાંત ઈરાન દ્વારા સ્વીકારવામાં આવતી અન્ય કોઈપણ કરન્સીમાં પણ ચૂકવી શકાય તેવી જોગવાઈ થઈ શકે છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકી ડોલરના વર્ચસ્વને પડકારવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ ગણાશે.

અમેરિકી પ્રતિબંધોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ મુશ્કેલીમાં છે. ઈરાની રિયાલનું મૂલ્ય ઘટ્યું છે અને દેશમાં રોકડ તથા વિદેશી હૂંડિયામણની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી શુલ્ક વસૂલવાથી ઈરાનને વધારાની આવક મળી શકે છે.

હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીંથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ અને અન્ય ઊર્જા ઉત્પાદનોનું પરિવહન થાય છે. જો ઈરાન દ્વારા જહાજો પર વધારાનો શુલ્ક લાદવામાં આવે તો વૈશ્વિક શિપિંગ ખર્ચ અને તેલના ભાવ પર પણ તેની અસર થઈ શકે છે.

સાઉદી અરેબિયા સહિતના પ્રાદેશિક દેશો તેમજ અમેરિકા અને યુરોપીયન દેશો ઈરાનની આ યોજનાને કેવી રીતે પ્રતિસાદ આપે છે તે હવે મહત્વનું રહેશે. આમ, અમેરિકા-ઈરાન વચ્ચેની ટક્કર હવે બોમ્બ અને મિસાઈલથી આગળ વધી પ્રતિબંધો, ચલણ અને વેપારના મોરચે પહોંચી છે. આ આર્થિક યુદ્ધની સીધી કે આડકતરી અસર ભારતના વેપાર અને ઊર્જા ક્ષેત્ર પર પણ પડી શકે છે.

Leave a Comment

और पढ़ें