જંતર-મંતર પર પેલેટગનના ઉપયોગનો મુદ્દો ફરી ગરમાયો

ઈજાગ્રસ્ત સાહીલને સાથે લઈ પોલીસ મથકે પહોંચ્યા રાહુલ ગાંધી : FIR માટે ધરણા

જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન પેલેટગનથી ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષીય સાહીલ લોચાબને સાથે લઈ રાહુલ ગાંધી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સાહીલની ફરિયાદના આધારે FIR નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધી પોલીસ મથક બહાર ધરણા પર બેસી ગયા હતા.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે સાહીલના શરીરમાં 200થી વધુ પેલેટના છરા ઘૂસ્યા છે અને તેની આંખની દૃષ્ટિ ગુમાવવાનો ભય છે, છતાં પોલીસે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે FIR નોંધાયા બાદ જ તેઓ ધરણું સમેટશે.

પોલીસે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે જંતર-મંતર પર થયેલી કાર્યવાહીની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટે પણ નિવૃત્ત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદે તપાસ સમિતિની રચના કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ મામલે અલગ FIRની જરૂર નથી.

રાહુલ ગાંધીના ધરણાની જાણ થતાં પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસ સ્ટેશન આસપાસ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને પોલીસે બેરિકેડિંગ કરી ટ્રાફિકને અન્ય માર્ગે વાળ્યો હતો.

બીજી તરફ, પોલીસનો દાવો છે કે જંતર-મંતર પરના દેખાવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે.

Leave a Comment

और पढ़ें