નૈરોબી: કેન્યાના સામ્બુરુ કાઉન્ટીમાં બુધવારે સફારી પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ 7 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાયલોટ સહિત પાંચ અમેરિકન નાગરિકો અને ઈક્વાડોરના નેશનલ ઈન્ટેલિજન્સ સેન્ટરના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી તથા તેમની પત્નીનો સમાવેશ થાય છે.
સવારે 9:13 વાગ્યે થયો અકસ્માત
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર Eurocopter EC130 B4 હેલિકોપ્ટર સવારે આશરે 9:13 વાગ્યે લોઈસાબા કન્ઝર્વન્સીથી ઈવાસો ન્યિરો વિસ્તાર તરફ જઈ રહ્યું હતું ત્યારે માઉન્ટ ઓલોલોક્વે નજીક ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં છ મુસાફરો અને એક પાયલોટ સહિત કુલ સાત લોકો સવાર હતા.
ઈક્વાડોરના ગુપ્તચર વડાનું પણ મોત
દુર્ઘટનામાં ઈક્વાડોરના નેશનલ ઈન્ટેલિજન્સ સેન્ટરના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી અને તેમની પત્ની સ્ટેફની હોલિહાનનાં પણ મોત થયા છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાંચ અમેરિકન નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકોમાં અમેરિકી મીડિયા કંપની ટેલિમુંડોના એક્ઝિક્યુટિવ જોસે સુઆરેઝનો પણ સમાવેશ થાય છે.
દુર્ગમ વિસ્તારમાં રાહત કામગીરીમાં મુશ્કેલી
અકસ્મિક ઘટના બાદ ઘટનાસ્થળે આગ લાગતાં અને વિસ્તારનો ભૂપ્રદેશ અત્યંત દુર્ગમ હોવાથી બચાવ અને મૃતદેહોની શોધ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. કેન્યાના અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. હાલ હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
સફારી અને વન્યજીવન માટે જાણીતા સામ્બુરુ વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાએ પ્રવાસન જગત સાથે ઈક્વાડોર અને અમેરિકામાં પણ શોકની લાગણી ફેલાવી છે.








