કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલનથી માર્ગ બંધ, 14 જિલ્લાઓમાં 1.60 લાખ લોકો પૂરથી પ્રભાવિત; દેશમાં હજુ 11.8% વરસાદની ખાધ
નવી દિલ્હી: ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં ઉત્તર અને પૂર્વ ભારત હજુ મેઘપ્રકોપનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આસામમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન થતાં માર્ગ બંધ થઈ ગયો છે. સોનપ્રયાગ સહિતના વિસ્તારોમાં યાત્રાળુઓ અટવાઈ ગયા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ અનેક માર્ગો હજુ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આસામમાં પૂરની સ્થિતિ હજુ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં વધુ છ લોકોના મોત થતાં રાજ્યમાં વરસાદ અને પૂર સંબંધિત મૃત્યુઆંક વધીને 95 પર પહોંચી ગયો છે. હાલમાં 14 જિલ્લાઓના આશરે 1.60 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે અને મોટી સંખ્યામાં લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર અને બચાવ દળો સતત રાહત કામગીરીમાં વ્યસ્ત છે, પરંતુ નદીઓમાં વધતા જળસ્તર અને સતત વરસાદને કારણે પરિસ્થિતિ સામાન્ય બની શકી નથી.
ચોમાસું સક્રિય છતાં દેશમાં 11.8 ટકા વરસાદની ખાધ
ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ, જુલાઈમાં સારા વરસાદ છતાં દેશમાં હજુ 11.8 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. અત્યાર સુધી દેશમાં સરેરાશ 424.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 481.9 મિમી વરસાદ થવો જોઈએ.
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ-નીનોની અસર હોવા છતાં સ્થાનિક હવામાન પ્રણાલીઓના કારણે ભારતમાં ચોમાસું સક્રિય રહ્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે.









