ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયો સ્પેસએક્સના ફાલ્કન-9નો અનિયંત્રિત ભાગ

19 મહિનાથી અંતરિક્ષમાં ભટકતો રોકેટ 8,690 કિમી પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર પર તૂટી પડ્યો; નવો ક્રેટર બનવાની શક્યતા, પૃથ્વીને કોઈ જોખમ નહીં

નવી દિલ્હી: ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટનો અનિયંત્રિત ભાગ આખરે ચંદ્રની સપાટી સાથે ધડાકાભેર અથડાયો છે. આશરે 19 મહિનાથી અંતરિક્ષમાં નિયંત્રણ વગર ભ્રમણ કરી રહેલો આ ભાગ લગભગ 8,690 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર પર તૂટી પડ્યો હોવાનું નાસાએ જણાવ્યું છે.

આ ટક્કર ચંદ્રના પશ્ચિમ ભાગમાં આવેલા આઈન્સ્ટાઈન ક્રેટર નજીક થઈ હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તાર પૃથ્વી પરથી સીધો જોઈ શકાતો ન હોવાથી ઘટનાની તસવીરો હાલ ઉપલબ્ધ નથી. જોકે, નાસાનું લુનાર રિકોનિસન્સ ઓર્બિટર અને દક્ષિણ કોરિયાનું પાથફાઈન્ડર લુનાર ઓર્બિટર આગામી દિવસોમાં આ વિસ્તારની તસવીરો લઈ નુકસાનનું મૂલ્યાંકન કરશે.

સ્પેસએક્સના જણાવ્યા મુજબ, રોકેટનો ઉપરનો ભાગ જાન્યુઆરી 2025માં મિશન પૂર્ણ થયા બાદ અંતરિક્ષમાં જ રહી ગયો હતો અને ત્યારથી અનિયંત્રિત રીતે ભ્રમણ કરી રહ્યો હતો. આખરે તેની ચંદ્ર સાથે ટક્કર થઈ છે.

વિજ્ઞાનીઓના મતે આ અથડામણથી ચંદ્રની સપાટી પર નવો ક્રેટર (ખાડો) બન્યો હોવાની શક્યતા છે, જે ભવિષ્યના ચંદ્ર સંશોધન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી પૃથ્વી અથવા માનવજીવન માટે કોઈ જોખમ નથી.

યુરોપિયન સ્પેસ એજન્સીના આંકડા મુજબ, હાલમાં પૃથ્વીની કક્ષામાં 46 હજારથી વધુ અંતરિક્ષ કચરાના ટુકડાઓ પરિભ્રમણ કરી રહ્યા છે, જેનું કુલ વજન આશરે 17 હજાર ટન જેટલું છે. અંતરિક્ષમાં વધતું આ કચરું ભવિષ્યના અવકાશ મિશનો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યું છે.

Leave a Comment

और पढ़ें