ટ્રમ્પના નવા ટેરિફ સામે અમેરિકામાં જ વિરોધ: 25 રાજ્યોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

ભારત સહિત 60 દેશો પર 10થી 12.5 ટકા આયાત શુલ્કને પડકાર; ‘ગેરકાયદે ટેક્સ’ ગણાવી તાત્કાલિક રોકની માંગ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત 60 દેશો પર લાદવામાં આવેલા નવા 10થી 12.5 ટકા ટેરિફ સામે અમેરિકામાં જ વિરોધનો સૂર ઉઠ્યો છે. દેશના 25 રાજ્યોએ સંયુક્ત રીતે અદાલતમાં અરજી કરીને આ નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે અને તેના અમલ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નવા ટેરિફથી અમેરિકન પરિવારો અને વેપાર ક્ષેત્ર પર વધારાનો આર્થિક બોજ પડશે. એટર્ની જનરલ્સનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણય બાદ પણ વહીવટીતંત્ર નવા કાયદાકીય આધાર હેઠળ સમાન પ્રકારનો કર લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ન્યૂયોર્કની એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકાર ફરીથી સામાન્ય નાગરિકો અને વ્યવસાયોને વધારાનો કર ચૂકવવા મજબૂર કરી રહી છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે IEEPA (International Emergency Economic Powers Act) હેઠળ ટેરિફ લાદવાની સત્તા ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સરકારે કામચલાઉ 10 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જેની મુદત પૂર્ણ થતાં હવે 1974ના ટ્રેડ એક્ટની કલમ-301 હેઠળ નવા ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે.

વ્હાઇટ હાઉસે સરકારના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું છે કે અન્યાયી વેપાર પ્રથાઓ સામે અમેરિકન ઉદ્યોગો અને કામદારોના હિતોની સુરક્ષા માટે આ પગલું જરૂરી છે અને કલમ-301 હેઠળ લાગુ કરાયેલા ટેરિફ સંપૂર્ણપણે કાયદેસર છે.

Leave a Comment

और पढ़ें