દમણથી કારમાં લવાતી 528 દારૂની બોટલો અને 168 બીયરના ટીન સાથે બોટાદનો આરોપી ઝડપાયો
રાજકોટ: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ગોંડલ ચોકડી નજીક કાર્યવાહી કરીને દારૂ અને બીયરની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે કાર સહિત કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોટાદના એક શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો રાજકોટના ખોડિયારનગરમાં સપ્લાય થવાનો હોવાનું સામે આવતા રિસીવરને પણ પોલીસે સકંજામાં લીધો છે.
PCBને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ સર્વિસ રોડ પર ઉભેલી નંબર પ્લેટ વગરની કારમાં દરોડો પાડતાં અંદરથી 528 વિદેશી દારૂની બોટલો અને 168 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કારચાલક ભરત ભગવાન કમેજળીયા (રહે. બોટાદ)ની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો દમણથી લાવી રાજકોટના ખોડિયારનગરમાં રહેતા સુખદેવ પરમારને પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હતું. તેના આધારે પોલીસે સુખદેવ પરમારને પણ તપાસ હેઠળ લીધો છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી ભરત કમેજળીયા અગાઉ ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા (GUJSITOC) હેઠળ નોંધાયેલા ગુનામાં જેલમાં રહી ચૂક્યો છે અને તાજેતરમાં જામીન પર છૂટ્યા બાદ ફરી દારૂની હેરાફેરીમાં સક્રિય થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.









