43 ડિગ્રીથી વધુ તાપમાન અને આગથી પાકને મોટું નુકસાન; ઘઉં, મકાઈ સહિતના અનાજના ભાવ વધવાની શક્યતા
બ્રસેલ્સ: યુરોપમાં સતત વધી રહેલી ભીષણ ગરમી અને જંગલ આગની ઘટનાઓને કારણે કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. યુરોપિયન અનાજ અને તેલીબીયા વેપાર સંગઠન કોસેરલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 90 લાખ ટન અનાજનો નાશ થયો છે, જેના કારણે આશરે 2 અબજ યુરોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
ભારે ગરમીની સૌથી વધુ અસર ઘઉં, મકાઈ, જુવાર અને ઓટ્સ જેવા મુખ્ય પાકો પર પડી છે. ઉત્પાદન ઘટતાં આગામી સમયમાં યુરોપિયન બજારમાં અનાજના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુરોપના અનેક દેશોમાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ વખત 38થી 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, જ્યારે ડેન્માર્કમાં 1874 પછી પ્રથમવાર 36.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
ગરમીના કારણે વીજળીની માંગમાં ભારે વધારો થતાં અનેક વિસ્તારોમાં પાવર ગ્રીડ પર દબાણ વધ્યું છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ઉપરાંત પાવર પ્લાન્ટને ઠંડા રાખતી નદીઓનું પાણી પણ અસામાન્ય રીતે ગરમ બનતાં વીજ ઉત્પાદન પર અસર થઈ છે. ભારે તાપમાનના કારણે કેટલાક વિસ્તારોમાં રેલવેના પાટા વળી જવાની ઘટનાઓ પણ સામે આવી છે.
નિષ્ણાતોના મતે જો આગામી દિવસોમાં વાતાવરણમાં સુધારો નહીં થાય તો યુરોપમાં કૃષિ ઉત્પાદન અને ખાદ્ય પુરવઠા પર તેની વધુ ગંભીર અસર જોવા મળી શકે છે.









