એર ઈન્ડિયાની ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ: 300 ફૂટ ઊંચાઈ ગુમાવી, દિલ્હીમાં સલામત લેન્ડિંગ

ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં ભારે આંચકા; 10 મુસાફરો અને ક્રૂને સામાન્ય ઈજા

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ હવામાં અચાનક ટર્બ્યુલન્સમાં ફસાઈ જતાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભારે હવાના આંચકાને કારણે એરબસ A320 વિમાને અંદાજે 300 ફૂટ ઊંચાઈ ગુમાવી, જેના કારણે વિમાનમાં જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી.

ફ્લાઇટ AI-2379માં ક્રૂ સહિત 134 લોકો સવાર હતા. ટર્બ્યુલન્સ દરમિયાન કેટલાક મુસાફરો અને કેબિન ક્રૂ પોતાની બેઠકો પરથી નીચે પટકાતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે પાયલોટે સ્થિતિ પર ઝડપથી કાબૂ મેળવી વિમાનને ફરી સ્થિર કરી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.

એરલાઇનના જણાવ્યા મુજબ કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.

ટર્બ્યુલન્સ શું છે?

ટર્બ્યુલન્સ એટલે હવામાં પવનના અચાનક બદલાતા પ્રવાહને કારણે વિમાનમાં અનુભવાતા આંચકા. તે ગરમ-ઠંડી હવાના પ્રવાહ, વાદળો, પર્વતીય વિસ્તારો, જેટ સ્ટ્રીમ અથવા અન્ય વિમાનના હવાના વંટોળને કારણે સર્જાઈ શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આધુનિક વિમાનો ભારે ટર્બ્યુલન્સ સહન કરવા સક્ષમ હોય છે અને સામાન્ય રીતે તેનાથી વિમાનને કોઈ મોટું જોખમ ઊભું થતું નથી. સૌથી મોટું જોખમ સીટબેલ્ટ ન બાંધેલા મુસાફરોને ઈજા થવાનું રહે છે, તેથી ફ્લાઇટ દરમિયાન સીટબેલ્ટ બાંધેલી રાખવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment

और पढ़ें