ઈરાન સામે હુમલા રોકવાના સંકેતથી વૈશ્વિક બજારમાં રાહત; ક્રૂડના ભાવમાં 5% સુધીનો ઘટાડો
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવાના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પે ઈરાન સામે નવા લશ્કરી હુમલાઓ અટકાવવાનો સંકેત આપતાં અને શાંતિ કરારની આશા વ્યક્ત કરતાં બજારમાં સકારાત્મક અસર જોવા મળી હતી.
આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 5 ટકા ઘટીને 83.87 ડોલર પ્રતિ બેરલ, જ્યારે યુએસ ક્રૂડ 80.79 ડોલર પ્રતિ બેરલ સુધી સરકી ગયું.
છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ સર્જાતા વૈશ્વિક સપ્લાય પર અસર પડી હતી અને ક્રૂડના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હતા.
ક્રૂડ સસ્તુ થતાં વૈશ્વિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણના ખર્ચમાં રાહત મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. જોકે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર તેની તાત્કાલિક અસર થવાની શક્યતા ઓછી છે, કારણ કે સ્થાનિક કિંમતો ક્રૂડ ઉપરાંત રૂપિયા-ડોલર વિનિમય દર, રિફાઇનિંગ ખર્ચ અને કેન્દ્ર-રાજ્ય સરકારના કર સહિતના પરિબળો પર આધારિત હોય છે.
નિષ્ણાતોના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ લાંબા સમય સુધી નીચા રહે, તો તેનો લાભ ભારતીય અર્થતંત્ર તેમજ સામાન્ય ગ્રાહકોને પણ મળી શકે છે.








