1998માં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચાવનાર કેસમાં હાઈકોર્ટ સમક્ષ વિરોધ નોંધાવ્યો
અમદાવાદ: વર્ષ 1998માં વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ગુરુ ગદાધરાનંદની હત્યાના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા દોષિત નારાયણ સ્વામીની બાકી જેલ સજા માફ કરવા રાજ્ય સરકાર દ્વારા કરાયેલી ભલામણનો CBIએ ગુજરાત હાઈકોર્ટમાં વિરોધ નોંધાવ્યો છે.
ગુરુ ગદાધરાનંદનો મૃતદેહ હત્યા બાદ અર્ધબળેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં મંદિરના નાણાકીય વહીવટને લઈને થયેલા વિવાદને હત્યાનું મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. સમગ્ર કેસની તપાસ CBIએ હાથ ધરી હતી.
આ કેસમાં વડતાલ મંદિરના રહેવાસી નારાયણ સ્વામી (મૂળ નામ દિનેશભાઈ શંકરભાઈ પટેલ) સહિત પાંચ આરોપીઓ સામે હત્યા, અપહરણ, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાનો ગુનો નોંધાયો હતો. સેશન્સ કોર્ટે તેમને ફાંસીની સજા ફટકારી હતી, જેને બાદમાં ગુજરાત હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી હતી.
લાંબા સમયથી જેલમાં રહેલા નારાયણ સ્વામીએ સ્વાસ્થ્ય અને સારી વર્તણૂકના આધારે બાકી સજા માફ કરવાની અરજી કરી હતી. જોકે CBIએ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું છે કે હત્યા પૂર્વયોજિત અને અત્યંત ક્રૂર હતી તેમજ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, તેથી સજા માફ કરવાનો કોઈ આધાર નથી.
જેલ સત્તાવાળાઓ તરફથી અનુકૂળ ભલામણ હોવા છતાં જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ સજા માફ કરવા નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. બીજી તરફ રાજ્ય સરકારે સજા માફ કરવા અંગે અનુકૂળ વલણ દર્શાવતાં મામલો હવે હાઈકોર્ટના નિર્ણય પર નિર્ભર બન્યો છે.








