કૈરો: ઇજિપ્તના અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ભૂમધ્ય સાગરમાં સમુદ્રની અંદર આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રે જણાવ્યું છે.
ભૂકંપના આંચકાથી લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય કરી હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાન નોંધાયું નથી. તેમ છતાં તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઈજિપ્તના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સ્વેઝ શહેરથી આશરે 38 કિલોમીટર દૂર ભૂમધ્ય સાગરમાં હતું. નાગરિકોને તિરાડ પડેલી અથવા નુકસાનગ્રસ્ત ઈમારતોથી દૂર રહેવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.









