સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી; વયોશ્રી યોજના હેઠળ 800થી વધુ લાભાર્થીઓને સહાય વિતરણ
રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર, 2 ઓગસ્ટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સાંજે 4 વાગ્યે હીરાસર એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ અંદાજે સાડા પાંચ કલાક રાજકોટમાં રોકાશે અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી પુજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને યુનિવર્સિટીના મળીને ₹200 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ વિકાસકામોમાં મોટામવા-મુંજકા પમ્પિંગ હાઉસ, મટિરિયલ રિકવરી પ્લાન્ટ, નવા બ્રિજ, આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસો, રસ્તા અને ગટર સહિતના અનેક પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી અને આરોગ્ય કેન્દ્રના નવા ભવનોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના હસ્તે વયોશ્રી યોજના હેઠળ 800થી વધુ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ બિલ્ડર્સ એસોસિએશનના કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રે હીરાસર એરપોર્ટથી અમદાવાદ પરત ફરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ રાજકોટ પ્રવાસ હોવાથી ભાજપ કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ માટે સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.








