રાજકોટના 5 સહિત સૌરાષ્ટ્રના ડઝનથી વધુ ડેમોમાં નવા નીરની આવક: લાલપરી 90% ભરાયો

આજી-2, ભાદર-2, મચ્છુ-3 અને ઘોડાધ્રોઈ ઓવરફ્લો; અનેક ગામોને એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર નહીં કરવા સૂચના

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજકોટ જિલ્લાના પાંચ સહિત સમગ્ર વિસ્તારમાં આવેલા એક ડઝનથી વધુ ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. રાજકોટનો લાલપરી ડેમ 90 ટકા સુધી ભરાઈ ગયો છે, જ્યારે મચ્છુ-3, ઘોડાધ્રોઈ, આજી-2 અને ભાદર-2 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. આજે સવારે ભાદર-1 ડેમમાં પણ 0.25 ફૂટ નવા નીરની આવક નોંધાઈ હતી.

લાલપરી ડેમમાં હાલ 474 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી પૂર્ણ ક્ષમતાની નજીક પહોંચી ગઈ છે. સંભવિત પાણી છોડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવાગામ અને બેડી ગામના લોકોને સાવચેત રહેવા તેમજ જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવા તંત્રે સૂચના આપી છે. નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

વરસાદને કારણે આજી-2 ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પગલે અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તે જ રીતે ભાદર-2 ડેમનો પણ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદર પંથકના અનેક ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીના પટ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા જિલ્લા વહીવટી તંત્રે ખાસ અપીલ કરી છે.

આ ઉપરાંત આજી-1, ખોડાપીપર, છાપરવાડી, ઈશ્વરિયા, કરમીવ, મચ્છુ-1, નાયકા, લિંબડી ભોગાવો-1, મોરસલ અને ત્રિવેણી ઠાંગા સહિતના જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાતા સૌરાષ્ટ્રના જળસંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ સેલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Leave a Comment

और पढ़ें