વાર્ષિક ધોરણે 15.4%નો વધારો; આયાત પરથી વસૂલાયેલા GSTમાં સૌથી વધુ તેજી
નવી દિલ્હી: જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલાતમાં ઐતિહાસિક સફળતા મળી છે. જુલાઈ દરમિયાન કુલ રૂ. 2.11 લાખ કરોડનું GST કલેક્શન નોંધાયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 15.4 ટકા વધુ છે. ખાસ કરીને આયાત પર વસૂલાયેલા GSTમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સત્તાવાર આંકડા મુજબ, સ્થાનિક વ્યવહારોમાંથી મળતી GST આવક 10.1 ટકા વધીને રૂ. 1.45 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાત પર વસૂલાયેલ GST 28.8 ટકા વધીને રૂ. 66,511 કરોડ નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન GST રિફંડ પણ 13.1 ટકા વધીને રૂ. 29,968 કરોડ થયું છે. રિફંડ બાદ સરકારની ચોખ્ખી GST આવક રૂ. 1.81 લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષના જુલાઈની સરખામણીએ 10.05 ટકા વધુ છે.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈ દરમિયાન કુલ રૂ. 8.43 લાખ કરોડનું GST કલેક્શન નોંધાયું છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો રૂ. 7.66 લાખ કરોડ હતો.
રાજ્યવાર કલેક્શનની વાત કરીએ તો હરિયાણામાં 25 ટકાનો સૌથી વધુ વધારો નોંધાયો છે. ત્યારબાદ ગુજરાત અને તેલંગાણામાં 19 ટકા, પંજાબ અને કેરળમાં 16 ટકા, ઉત્તર પ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્રમાં 13 ટકા અને કર્ણાટકમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશમાં 22 ટકા, ઉત્તરાખંડમાં 18 ટકા, પુડુચેરીમાં 11 ટકા, મધ્ય પ્રદેશમાં 10 ટકા, આંધ્ર પ્રદેશમાં 5 ટકા અને તમિલનાડુમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જુલાઈ મહિનાનું રેકોર્ડ GST કલેક્શન દેશની આર્થિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ અને કર વસૂલાતમાં સુધારાના સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.








