ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજો બંધ; જિલ્લાના 6 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા
મોરબી: મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ફરી વધી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં મચ્છુ-3 અને ઘોડાધ્રોઇ ડેમના એક-એક દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી શહેર અને તાલુકામાં અંદાજે પોણા બે ઇંચ, હળવદમાં સવા ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ તેમજ ટંકારા અને માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે.
ડેમોમાં પાણીની આવક વધતાં આજે સવારે 8 વાગ્યાથી ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલી આશરે 299 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જ્યારે મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી મચ્છુ નદીમાં પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાણી છોડતા પહેલાં ઘોડાધ્રોઇ ડેમના નીચાણવાળા 10 ગામો અને મચ્છુ-3 ડેમના અસરગ્રસ્ત 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આજે શાળા, કોલેજો અને ITI સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
ભારે વરસાદને કારણે જિલ્લાના 6 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં મોરબી-ધરમપુર-સાદુળકા રોડ, આંદેરડા-વાંકડા રોડ, માળિયા એપ્રોચ રોડ તેમજ વાંકાનેરના જાળી-દેરાળા-રાજસ્થળી, કાછિયાગાડા-ગાગિયાવાદર-રાજસ્થળી અને લુણસર-રાજસ્થળી રોડનો સમાવેશ થાય છે. ઉપરાંત હળવદ-સરા રોડ પર કોઝવે ઉપર પાણી ફરી વળતાં આ માર્ગ પણ બંધ કરી વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે.









