કેરળમાં મેઘતાંડવ: ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 3નાં મોત, અનેક રસ્તા બંધ

ઈડુક્કી અને કોટ્ટયમ જિલ્લામાં સૌથી વધુ અસર; 8 જિલ્લામાં એલર્ટ, શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ

તિરુવનંતપુરમ: દેશભરમાં સક્રિય બનેલા ચોમાસાએ હવે કેરળમાં પણ કહેર વરસાવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને અન્ય વરસાદી દુર્ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે અને વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ સૌથી વધુ અસર ઈડુક્કી અને કોટ્ટયમ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં ભૂસ્ખલનને કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે. ઈડુક્કીમાં એક પરિવારના મકાન પર ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે પૂરનાં પાણીમાં એક યુવક તણાઈ જતાં તેનું પણ મૃત્યુ થયું હતું. અન્ય એક વરસાદ સંબંધિત ઘટનામાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, સરકારી કચેરીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આરોગ્ય, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતની આવશ્યક સેવાઓ યથાવત કાર્યરત રહેશે.

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. લોકોને નદી-નાળાં અને ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें