સુરતના અંબિકામાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ: રાજ્યના 255 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર

અતિભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર; સ્થળાંતર અને રેસ્ક્યૂ કામગીરી તેજ, રાજ્યભરમાં તંત્ર હાઈ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં રાજ્યના 255 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.02 ઇંચ (611 મીમી) નોંધાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સ્થળાંતર અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર બે કલાક વરસાદે વિરામ લીધો હતો, જ્યારે બાકીના સમય દરમિયાન સતત વરસાદ વરસ્યો હતો. અંબિકા ઉપરાંત ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ, ઉમરપાડામાં 14.68 ઇંચ, નડિયાદમાં 13.43 ઇંચ, વધઈમાં 11 ઇંચ, માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, સુબીરમાં 10.24 ઇંચ અને ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 13 તાલુકામાં 10 ઇંચથી વધુ અને 62 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી અને સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં મુકાયું હતું.

રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 64.76 ટકા નોંધાયો છે. વિભાગવાર જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા, મધ્ય ગુજરાતમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા અને કચ્છમાં 20.67 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Comment

और पढ़ें