ગુરુપૂર્ણિમાએ લુસડિયાધામે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ: સંત સુરમલદાસજીને અર્પી શ્રદ્ધાંજલિ, આદિજાતિ સમાજ સાથે ઉજવ્યો પવિત્ર પર્વ

પ્રોટોકોલ ભૂલી રસ્તામાં ગ્રામજનો અને બાળકીઓ વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી; ગૌરીવ્રત કરતી દીકરીઓ સાથે કર્યો આત્મીય સંવાદ

અરવલ્લી: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુસડિયાધામ પહોંચ્યા હતા. તેમણે આદિજાતિ સમાજના આરાધ્ય સંત સુરમલદાસજીની સમાધિ, ધૂણો અને રામદેવપીરની પ્રતિમાના દર્શન કરી રાજ્યના સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. લુસડિયાધામના સંતોએ મુખ્યમંત્રીને સંત સુરમલદાસજીની તસવીર અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ ડી.એમ. ભોઈએ ધામના ઇતિહાસ અને સંત સુરમલદાસજીના જીવનપ્રસંગોની માહિતી આપી હતી.

ધામ ખાતે મુખ્યમંત્રીએ સંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે આત્મીય મુલાકાત કરી હતી. આદિજાતિ પરિવારો સાથે ગુરુપૂર્ણિમાનો ભક્તિમય ઉત્સવ ઉજવી તેમણે સૌને શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીનો સહજ અને સરળ સ્વભાવ પણ જોવા મળ્યો હતો. શામળાજી જતાં માર્ગમાં આવેલા લુસડિયા ગામ પાસે રસ્તા કિનારે ઊભેલા ગ્રામજનો અને બાળકોને જોઈ તેમણે પોતાનો કાફલો અટકાવી દીધો હતો. ગાડીમાંથી ઉતરી તેઓ શાળાના બાળકો અને સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા હતા તેમજ બાળકો સાથે અભ્યાસ અને ભવિષ્ય અંગે આત્મીય વાતચીત કરી હતી.

ગૌરીવ્રત કરી રહેલી અને માથે કળશ ધારણ કરેલી નાની દીકરીઓએ મુખ્યમંત્રીનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે આટલા સરળ સ્વરૂપે જોઈ ગ્રામજનોમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો ભીખુસિંહ પરમાર અને ધવલસિંહ ઝાલા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મયૂરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें