ઓડિશાથી ગાંજાની ખેપ લાવી રાજકોટમાં ડિલિવરી આપે તે પહેલાં SOGનો દરોડો; મુખ્ય સપ્લાયર અને રિસીવરની શોધખોળ તેજ
રાજકોટ: રાજકોટ શહેર એસઓજીએ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરતાં બામણબોર નજીકથી ₹7.24 લાખના 14.485 કિલોગ્રામ ગાંજા સાથે રાજકોટના બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે ગાંજાનો જથ્થો અને મોબાઇલ સહિત કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર નજીક હોટલ રામદેવ પાસે વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ રાજકોટમાં ગાંજાની ડિલિવરી કરે તે પહેલાં જ એસઓજીએ બંનેને ઝડપી લીધા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ ઓડિશાના કાંટાબાંજીથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લઈને વડોદરા પહોંચ્યા હતા. ત્યાંથી પોલીસની નજરથી બચવા બસ મારફતે બામણબોર આવી પગપાળા રાજકોટ તરફ આગળ વધી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર રેકેટનો સૂત્રધાર રાજકોટનો હિતેષ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. તે બંને ભાઈઓને એક ખેપના ₹20 હજાર ચૂકવતો હતો. અગાઉ પણ બંને એક વખત ગાંજાની ખેપ પહોંચાડી ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
હાલ પોલીસે મુખ્ય સપ્લાયર, રિસીવર અને સમગ્ર નાર્કોટિક્સ નેટવર્ક સુધી પહોંચવા તપાસ વધુ સઘન બનાવી છે.








