રાજકોટ ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: શાપર-વેરાવળ હાઇવે પરથી રૂ.34 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. શાપર-વેરાવળ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર દરોડો પાડી પોલીસે રૂ.34 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક ઝડપી પાડ્યો છે.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. તે દરમિયાન રૂરલ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે GJ-25-U-9934 નંબરનો ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈને શાપર વિસ્તારમાંથી પસાર થવાનો છે.

બાતમીના આધારે પોલીસે રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલી પિતૃકૃપા હોટલ નજીક વોચ ગોઠવી હતી. ટ્રક ત્યાં પહોંચતા જ તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તલાશી દરમિયાન ટ્રકમાં દોરાના બોક્સની આડમાં છુપાવવામાં આવેલ વિવિધ બ્રાન્ડની 6,491 દારૂની બોટલો અને 984 બિયર ટીન મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા 259 ખાલી દોરાના બોક્સ પણ કબજે કરવામાં આવ્યા હતા.

પોલીસે ટ્રકના ચાલક ભરત હમીર મોરી (ઉ.વ. 22), વતન – વાંસજાળીયા ગામ, જામજોધપુરની ધરપકડ કરી હતી. કાર્યવાહી દરમિયાન રૂ.34.05 લાખના દારૂ-બિયર, ટ્રક તેમજ અન્ય સામગ્રી મળી કુલ અંદાજે રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે ઉપલેટાના કરણ રબારીના કહેવાથી દમણમાંથી અજાણ્યા વ્યક્તિઓએ ટ્રકમાં દારૂ ભરાવ્યો હતો અને તે જથ્થો પોરબંદર પહોંચાડવાનો હતો.

પોલીસ હાલમાં દારૂ મંગાવનાર કરણ રબારી, સપ્લાયરો તેમજ ટ્રકના માલિકને શોધવા માટે તપાસ આગળ વધારી રહી છે. સમગ્ર કાર્યવાહી રૂરલ એલસીબીના પી.આઈ. જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Leave a Comment

और पढ़ें